ઈશાન કિશન વડોદરામાં પંડ્યા બ્રધર્સ સાથે પ્રૅક્ટિસ કરી રહ્યો છે

09 February, 2024 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીસીસીઆઇ તેનાથી નારાજ : બોર્ડના વાર્ષિક કરારમાંથી હટાવી શકે એવી અટકળો

ઇશાન કિશન

ટીમ ઇન્ડિયાના સ્ટાર યુવા ક્રિકેટર ઈશાન કિશન હાલમાં ભારતીય ટીમમાંથી બહાર છે. તે ભારત માટે છેલ્લી વાર નવેમ્બર ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે ટી૨૦ સિરીઝ રમ્યો હતો. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ સહિત ટીમ મૅનેજમેન્ટને ઈશાન કિશન અને તેના પ્લાનને લઈને કોઈ ખ્યાલ નહોતો. જોકે હવે ઈશાન કિશન મળી ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે ઈશાન કિશન હાલમાં વડોદરામાં કિરણ મોરે ઍકૅડેમીમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે પ્રૅક્ટિસ કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનો સુકાની છે. ઈશાન પણ એ જ ટીમમાંથી રમવાનો છે. 

પોતે જ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે
માનવામાં આવી રહ્યું છે કે ઈશાન કિશન હવે સીધો આઇપીએલમાં જ રમતો જોવા મળશે. જોકે તેણે આ વિશે હજી સુધી કોઈને જાણ પણ કરી નથી. ભારતીય ટીમ મૅનેજમેન્ટ અને કોચ રાહુલ 
દ્રવિડ બન્નેને ઈશાન કિશન વિશે કોઈ ખ્યાલ નથી.
હાલમાં જ્યારે રાહુલ દ્રવિડને ઈશાનને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે ઈશાને પોતે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. ક્રિકેટમાં વાપસીને લઈને તે જ પોતે કહી શકશે.

રણજી નથી રમી રહ્યો
જોકે બીજી તરફ હાલમાં રણજી ટ્રોફી ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં ઝારખંડ માટે ઈશાન કિશન ટીમ તરફથી નથી રમી રહ્યો. એવામાં બીસીસીઆઇ અને ઝારખંડ ક્રિકેટ અસોસિએશનને ઈશાનના પ્લાનની કશી જ ખબર નથી. ઈશાને ઝારખંડ ક્રિકેટ બોર્ડને પણ કોઈ પ્રકારની જાણ નથી કરી કે તે સ્થાનિક ક્રિકેટ નહીં રમે.

બીસીસીઆઇના વાર્ષિક કરારમાંથી બહાર થઈ શકે છે
આ ઘટનાથી ઈશાન કિશનના વાર્ષિક કરાર પર પણ અસર થઈ શકે છે. બીસીસીઆઇ તેને પોતાના વાર્ષિક કરારમાંથી બહાર કરવાનો વિચાર કરી શકે છે, કારણ કે તે લાંબા સમય સુધી ભારતીય ટીમથી દૂર રહ્યો છે. એની સાથોસાથ તે સ્થાનિક ક્રિકેટમાં પણ નથી રમી રહ્યો. ઈશાન કિશન બોર્ડના વાર્ષિક કરારમાં ‘સી’ કૅટેગરીમાં છે, જેમાં તેને વાર્ષિક ૧ કરોડ રૂપિયા મળે છે.

sports news sports cricket news indian cricket team ishan kishan hardik pandya krunal pandya