29 January, 2023 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશાન કિશન
ટોચના બૅટર્સની નિષ્ફળતા અને મુખ્ય બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે પહેલી મૅચ ગુમાવનાર ભારતીય ટીમે ત્રણ મૅચની ટી૨૦ સિરીઝમાં ટકી રહેવા માટે આજે ન્યુ ઝીલૅન્ડ સામે લખનઉમાં રમાનારી બીજી મૅચ જીતવી જ પડશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ટીમ રાંચીમાં પહેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડની સ્પિન જાળમાં ફસાઈ ગઈ અને ૨૧ રનથી પરાજય જોવો પડ્યો.
અર્શદીપની ઓવર ભારે પડી
આ મૅચમાં ભારતના ફાસ્ટ બોલર્સની નબળાઈ પણ દેખાઈ છે, કારણ કે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે અને ઉમરાન મલિકે ઢગલો રન આપીને ટીમને દબાણમાં મૂકી દીધી હતી. મલિકે એક ઓવરમાં ૧૬ રન આપ્યા હતા, તો અર્શદીપે ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ૨૭ રન આપ્યા હતા, એને કારણે લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ પણ દબાણમાં આવી ગઈ હતી. અર્શદીપની એ છેલ્લી ઓવર મૅચનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી.
મુકેશ કુમારને તક?
ભારતની બૅટિંગની શરૂઆત સારી નહોતી રહી. એના ટોચના ત્રણ બૅટર્સ માત્ર ૧૫ રન બનાવી શક્યા હતા. ભારત જો હારના અંતરને ઓછું કરી શક્યું તો એનું શ્રેય ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને જાય છે, જેણે હાફ સેન્ચુરી ફટકારી હતી. જોકે કૅપ્ટન પંડ્યા ફાસ્ટ બોલર મુકેશ કુમારને ડેબ્યુની તક આપશે એવી શક્યતા ઓછી લાગે છે. એ મોટે ભાગે અર્શદીપને વાપસીની તક આપી શકે છે.
આ પણ વાંચો: શેફાલીની શેરનીઓ વર્લ્ડ કપની ફાઇનલમાં
ગિલનું ફૉર્મ ચિંતાજનક
શુભમન ગિલ વન-ડેમાં સારા ફૉર્મમાં હતો, પરંતુ ટી૨૦માં તે આ ફૉર્મને યથાવત્ રાખી શક્યો નહોતો. તે અત્યાર સુધી ચાર ટી૨૦ રમ્યો છે અને તેને હજી તક આપવામાં આવશે, પરંતુ ટીમ માટે સૌથી મોટી ચિંતા ઈશાન કિશન અને દીપક હૂડાના ફૉર્મની છે. કિશને ગયા વર્ષે બંગલાદેશ સામે વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ ત્યાર બાદ તે આ ફૉર્મને યથાવત્ રાખી શક્યો નથી. ઓપનિંગ બૅટર તરીકે ઊતરનાર વિકેટકીપર-બૅટર ત્યાર બાદ ૩૭, ૨, ૧, ૫ (નૉટઆઉટ), ૮, ૧૭ અને ૪ રનની ઇનિંગ્સ રમ્યો છે. બીજી તરફ હૂડાએ છેલ્લી હાફ-સેન્ચુરી ૨૦૨૨ની ૧૪ જૂને ફટકારી હતી. હૂડા પણ પાવર હિટર તરીકે મોટી સફળતા મેળવી શક્યો નથી. છેલ્લી ૧૩ ઇનિંગ્સમાં તેની ઍવરેજ માત્ર ૧૭.૮૮ની છે. રાંચીમાં શુક્રવારે તે ૧૦ બૉલમાં માત્ર ૧૦ રન બનાવી શક્યો હતો. જોકે સૂર્યકુમાર યાદવ શાનદાર ફૉર્મમાં ચાલી રહ્યો છે, પરંતુ તેને ટોચના બૅટર્સ પાસેથી સહકારની જરૂર છે. ન્યુ ઝીલૅન્ડ પણ સિરીઝ જીતવા માટે કોઈ કસર નહીં છોડે અને ડેવોન કૉન્વે અને ડેરિલ મિશેલ પર તેમનો બધો દારોમદાર હશે.