03 October, 2024 11:01 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
સરફરાઝ ખાન
ગઈ કાલે લખનઉના એકાના સ્ટેડિયમમાં ઈરાની કપના બીજા દિવસે મુંબઈની ટીમનો સ્કોર ૧૩૮ ઓવરમાં ૯ વિકેટના નુકસાન સાથે ૫૩૬ રનનો થયો હતો. પહેલા દિવસે ચાર વિકેટે ૨૩૭ રન ફટકારનાર મુંબઈની ટીમે બીજા દિવસે ૭૦ ઓવરમાં ૨૯૯ રન ફટકાર્યા હતા. કૅપ્ટન અજિંક્ય રહાણે (૨૩૪ બૉલમાં ૯૭ રન) ત્રણ રનથી સેન્ચુરી ચૂકી ગયો અને યશ દયાલની ઓવરમાં ધ્રુવ જુરેલના હાથે કૅચઆઉટ થયો હતો.
બીજો દિવસ સંપૂર્ણ રીતે સરફરાઝ ખાનના નામે રહ્યો હતો. દિવસના અંતે ૨૫ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૨૭૬ બૉલમાં ૨૨૧ રન ફટકારીને તે અણનમ રહ્યો હતો. તે ઈરાની કપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર મુંબઈનો પહેલો અને ઓવરઑલ પાંચમો ક્રિકેટર બન્યો છે. આ પહેલાં ઈરાની કપની મૅચમાં ૧૯૭૨માં મુંબઈના રામનાથ પારકરે પુણેમાં સૌથી વધુ ૧૯૫ રનની ઇનિંગ્સ રમી હતી. આ પહેલાં વિદર્ભ માટે વસીમ જાફર અને રેસ્ટ ઑફ ઇન્ડિયા ટીમ માટે રવિ શાસ્ત્રી, પ્રવીણ આમરે અને યશસ્વી જાયસવાલ ઈરાની કપમાં ડબલ ધમાલની કમાલ કરી શક્યા હતા.
નાના ભાઈ મુશીર ખાનના કાર-ઍક્સિડન્ટના સમાચાર વચ્ચે સરફરાઝ કાનપુર ટેસ્ટમાં મેદાન પર ખેલાડીઓ માટે ડ્રિન્ક્સ લાવવાનું કામ કરતો હતો પણ ઈરાની કપમાં તાબડતોડ ઇનિંગ્સ રમીને તેણે પોતાની જાતને ફરી એક વાર સાબિત કરી બતાવી છે. તેણે તનુષ કોટિયન (૬૪ રન) સાથે સાતમી વિકેટ માટે ૧૮૩ રન જોડ્યા હતા.