01 March, 2023 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મયંક અગરવાલ
ગ્વાલિયરમાં આજે રેસ્ટ ઑફ ઇન્ડિયા અને ૨૦૨૧-’૨૨ની રણજી સીઝનના વિજેતા મધ્ય પ્રદેશ વચ્ચે પાંચ દિવસની ઈરાની ટ્રોફી મૅચ (સવારે ૯.૩૦ વાગ્યાથી) શરૂ થઈ રહી છે. આ મૅચ ખાસ કરીને ઓપનર મયંક અગરવાલ માટે સૌથી મહત્ત્વની મનાય છે. ભારતીય ટીમનો ઓપનર રાહુલ ફૉર્મ ગુમાવી બેઠો હોવાથી મયંકને ઈરાની કપમાં ઝળકીને ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવાનો મોકો છે.
ગયા મહિને પૂરી થયેલી રણજી સીઝનમાં મયંકના કુલ ૯૯૦ રન તમામ ખેલાડીઓમાં હાઇએસ્ટ હતા. તેના ખાતે ત્રણ સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી હતી. ૯ મૅચની ૧૩ ઇનિંગ્સમાં તેણે ૨૦ સિક્સર અને ૧૦૬ ફોર ફટકારી હતી. તેના પછી બીજા નંબરે સૌરાષ્ટ્રનો અર્પિત વસાવડા (૯૦૭ રન, ત્રણ સેન્ચુરી, ત્રણ હાફ સેન્ચુરી, બે સિક્સર, ૯૬ ફોર) હતો.
ટીમના પ્લેયર્સ પર એક નજર
મયંકને રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમમાં સાથી-બૅટર અભિમન્યુ ઈશ્વરનનો સાથ મળી શકશે. અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમનો સુકાની યશ ધુલ તેમ જ યશસ્વી જૈસવાલ પણ રેસ્ટની ટીમમાં છે. જોકે સરફરાઝ ખાન ઈજાને લીધે નથી રમવાનો. ગયા મહિને રણજી ચૅમ્પિયન બનનાર સૌરાષ્ટ્રની ટીમમાંથી વિકેટકીપર-ઓપનર હાર્વિક દેસાઈ તથા પેસ બોલર ચેતન સાકરિયા, મુંબઈનો સ્પિનર શમ્સ મુલાની, વિકેટકીપર ઉપેન્દ્ર યાદવ, મુકેશ કુમાર, આકાશ કુમાર અને નવદીપ સૈની પણ રેસ્ટની ટીમમાં છે.
હિમાંશુ મંત્રીની મધ્ય પ્રદેશની ટીમમાં રજત પાટીદાર, ફાસ્ટ બોલર અવેશ ખાન, ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયર, સ્પિનર કુમાર કાર્તિકેય અને બૅટર યશ દુબે મધ્ય પ્રદેશને જિતાડવામાં મદદરૂપ થઈ શકે છે.
મધ્ય પ્રદેશ સામેની મૅચ કેમ?
હાલમાં જ પૂરી થયેલી ૨૦૨૨-’૨૩ની રણજી સીઝનમાં સૌરાષ્ટ્ર ચૅમ્પિયન બન્યું છે, પરંતુ રેસ્ટ ઑફ ઇન્ડિયા સામે તેની મૅચ રાખવામાં આવે એ પહેલાં ગઈ સીઝન (૨૦૨૧-’૨૨)ના ચૅમ્પિયન મધ્ય પ્રદેશની રેસ્ટ ઑફ ઇન્ડિયા સામેની મૅચ આજથી રમાવાની છે. ગયા મહિને પૂરી થયેલી રણજી સીઝનની શરૂઆતમાં (ઑક્ટોબર, ૨૦૨૨માં) ઈરાની કપની મૅચ ૨૦૧૯-’૨૦ના રણજી ચૅમ્પિયન સૌરાષ્ટ્ર સામે રમાઈ હતી. ૨૦૨૦-’૨૧માં કોવિડકાળને લીધે એ મૅચ ન રાખી શકાઈ હોવાથી આટલી મોડી રાખવી પડી હતી.