૨૧મી સદીમાં પહેલી વાર ઈરાની કપ જીત્યું મુંબઈ

06 October, 2024 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી ઇનિંગ્સની લીડના આધારે ૨૭ વર્ષ બાદ પંદરમો ઈરાની કપ જીત્યો, ૧૯૯૭ની પાંચમી ઑક્ટોબરે જ મુંબઈએ જીત્યો હતો ૧૪મો ઈરાની કપ

ઈરાની કપની ટ્રોફી સાથે મુંબઈની ચૅમ્પિયન ટીમ

ગઈ કાલે લખનઉના એકાના સ્ટેડિયમમાં મુંબઈની ટીમ ૨૧મી સદીમાં પહેલી વાર ઈરાની કપ જીતી હતી. પાંચમા અને અંતિમ દિવસે ડ્રૉ થયેલી મૅચમાં મુંબઈએ રેસ્ટ ઑફ ઇન્ડિયા પર પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે એનો પંદરમો ઈરાની કપ જીત્યો હતો. મુંબઈએ અંતિમ દિવસની શરૂઆત છ વિકેટે ૧૫૩ રનથી કરી અને ૭૮ ઓવરમાં આઠ વિકેટે ૩૨૯ રન પર બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. આ રીતે મુંબઈની કુલ લીડ ૪૫૦ રન થઈ હતી.

પ્રથમ ઇનિંગ્સમાં ૬૪ રન બનાવનાર તનુષ કોટિયને ૨૦ રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને ૧૫૦ બૉલમાં ૧૧૪ રનની અણનમ ઇનિંગ્સ રમી. રેસ્ટ ઑફ ઇન્ડિયાનો પહેલી ઇનિંગ્સનો સ્કોર ૪૧૬ અને મુંબઈનો ૫૩૭ હતો.

બપોરે બે વાગ્યાથી એક સેશન કરતાં પણ ઓછા સમયમાં ૪૫૧ રનના લક્ષ્યાંકને ચેઝ કરવો અશક્ય હતો, જેના કારણે રેસ્ટ ઑફ ઇન્ડિયાના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે હરીફ અજિંક્ય રહાણે સાથે ડ્રૉ માટે હાથ મિલાવ્યો હતો. આ રીતે ડિફેન્ડિંગ રણજી ટ્રોફી ચૅમ્પિયન મુંબઈની ટીમ પહેલી ઇનિંગ્સની લીડના આધારે વિજેતા જાહેર થઈ.

મુંબઈએ છેલ્લે ૨૭ વર્ષ પહેલાં ૧૯૯૭માં સંજય માંજરેકરની કૅપ્ટન્સીમાં ઈરાની કપ જીત્યો હતો. ત્યારથી ૨૦૧૫-’૧૬ની સીઝન સુધી મુંબઈ વધુ આઠ વાર આ ફાઇનલમાં રમ્યું પણ નિષ્ફળ રહ્યું. ૧૯૯૭માં વાનખેડે સ્ટેડિયમમાં પાંચમી ઑક્ટોબરે જ મુંબઈની ટીમે રેસ્ટ ઑફ ઇન્ડિયા સામે ૫૪ રને જીત મેળવીને ૧૪મો ઈરાની કપ જીત્યો હતો. આ રીતે ૨૧મી સદીમાં મુંબઈની ટીમે પહેલી વાર ઈરાની કપ પોતાને નામે કર્યો છે.

mumbai india cricket news sports sports news