ઈરાની કપમાં ચોથા દિવસે બન્ને ટીમોનો થયો ધબડકો

05 October, 2024 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેસ્ટ આૅફ ઇન્ડિયાએ માત્ર ૨૩ રનમાં છેલ્લી ૬ વિકેટ ગુમાવી દીધી ત્યાર પછી મુંબઈએ પણ ૮૫/૧ના સ્કોર બાદ ૪૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી

મુંબઈના શમ્સ મુલાનીએ ત્રણ વિકેટ લીધી હતી

મુંબઈએ પહેલી ઇનિંગ્સમાં કરેલા ૫૩૭ રનના સ્કોર સામે રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમ ગઈ કાલે ૪૧૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ચાર વિકેટે ૨૮૯ રનના સ્કોર પર ચોથા દિવસની શરૂઆત કરી હતી. અભિમન્યુ ઈશ્વરન ૧૫૧ પર અને ધ્રુવ જુરેલ ૩૦ રન પર અણનમ હતા. બન્નેએ ચોથા દિવસે પણ જોરદાર લડત આપી હતી અને સ્કોરને ૩૯૩ પર લઈ ગયા હતા, પરંતુ ત્યાર બાદ ધબડકો થયો હતો. રેસ્ટ ઑફ ઇન્ડિયાએ છેલ્લી ૬ વિકેટ માત્ર ૨૩ રનમાં ગુમાવી હતી અને એ ૪૧૬ રન પર ઑલઆઉટ થઈ ગયું હતું. ૧૯૧ના સ્કોર પર આઉટ થઈને અભિમન્યુ ડબલ સેન્ચુરી તથા ૯૩ રન બનાવીને આઉટ થયેલો ધ્રુવ જુરેલ સેન્ચુરી ચૂકી ગયો હતો.

૧૨૧ રનની લીડ સાથે બીજી વાર બૅટિંગ કરવા ઊતરેલા મુંબઈએ શરૂઆત સારી કરી હતી, પણ એક વિકેટે ૮૫ રનનો સ્કોર હતો એ પછી ધબડકો થયો હતો અને માત્ર ૪૦ રનમાં એની બીજી પાંચ વિકેટ પડી ગઈ હતી. ચોથા દિવસના અંતે મુંબઈનો સ્કોર ૬ વિકેટે ૧૫૩ હતો. મુંબઈ પાસે હવે કુલ ૨૭૪ રનની લીડ છે. મુંબઈ વતી એકલા પૃથ્વી શૉએ ૭૬ રન કર્યા હતા, જે તેણે ૧૦૫ બૉલમાં બનાવ્યા હતા. અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયર અનુક્રમે ૯ અને ૮ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. પહેલી ઇનિંગ્સનો ડબલ સેન્ચુરિયન સરફરાઝ ખાન ૯ રને અણનમ હતો.

cricket news sports sports news mumbai india