હોમગ્રાઉન્ડ પર લખનઉને હરાવીને જીતના ટ્રૅક પર પાછું ફરશે બૅન્ગલોર?

02 April, 2024 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલીને ટૉપ અને મિડલ ઑર્ડરના બૅટરોએ સાથ આપવો પડશે

જન્મથી જ ક્રૉનિક કિડનીના રોગથી પીડિત કેમરુન ગ્રીન બૅન્ગલોરની એક હૉસ્પિટલમાં કિડનીના રોગથી પીડિત દરદીઓને પ્રોત્સાહન આપવા પહોંચ્યો હતો.

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સીઝનમાં ચૅમ્પિયન બનનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની પુરુષ ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં અપેક્ષા અનુસાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. બૅન્ગલોરની ટીમ હાલમાં ત્રણ મૅચમાં બે પૉઇન્ટ સાથે પૉઇન્ટ-ટેબલમાં આઠમા સ્થાને છે. છેલ્લી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના હાથે કારમી હારને કારણે તેમનો નેટ રન રેટ પણ બગડ્યો હતો. 

વિરાટ કોહલી આક્રમક રમત રમીને ટીમને સતત જિતાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફાફ ડુ પ્લેસી, ગ્લેન મૅક્સવેલ, રજત પાટીદાર અને કૅમરન ગ્રીને પણ સારું પ્રદર્શન કરવું પડશે. આ ટૉપ અને મિડલ ઑર્ડર બૅટ્સમેનોની નિષ્ફળતાને કારણે બૅન્ગલોરને અત્યાર સુધી લોઅર મિડલ ઑર્ડર બૅટ્સમૅન દિનેશ કાર્તિક, અનુજ રાવત અને મહિપાલ લોમરોર પર નિર્ભર રહેવું પડ્યું છે. ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહેલા રજત પાટીદારને સ્થાને સુયશે પ્રભુદેસાઈ જેવા ખેલાડીને તક મળી શકે છે. મોહમ્મદ સિરાજ સહિત તમામ બોલર્સ આક્રમક બોલિંગ કરે એવી આશા બૅન્ગલોરના ફૅન્સ રાખશે. બૅન્ગલોર વેસ્ટ ઇન્ડીઝના આ ઝડપી બોલરની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં રીસ ટૉપલી અથવા લૉકી ફર્ગ્યુસનને સામેલ કરવાનું વિચારી શકે છે.

લખનઉ એના કૅપ્ટન કે. એલ. રાહુલની ફિટનેસને લઈને ચિંતિત છે, જેનો ઉપયોગ હાલમાં ઇમ્પૅક્ટ સબસ્ટિટ્યુટ તરીકે થઈ રહ્યો છે. તેની ગેરહાજરીમાં નિકોલસ પૂરન કૅપ્ટનસી સંભાળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે લખનઉ રાહુલનો ઉપયોગ માત્ર ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે કરે છે કે પછી તે કૅપ્ટન, વિકેટકીપર અને બૅટ્સમૅનની ત્રણ ભૂમિકામાં પાછો ફરશે. પંજાબ કિંગ્સ સામેની મૅચમાં ૧૫૦ કિલોમીટરની ઝડપથી ૯ બૉલ ફેંકનાર અને IPL 2024નો સૌથી ઝડપી ૧૫૫.૮ કિલોમીટરનો બૉલ ફેંકનાર મયંક યાદવ બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પણ પોતાની સ્પીડનો પરચો દેખાડવા તૈયાર છે. ૯૯મી IPL મૅચ રમી રહેલા ક્વિન્ટન ડિકૉક પાસે આજે વધુ ૩૫ રન કરીને ૩૦૦૦ રન પૂરા કરવાની તક છે. IPLમાં આ સિદ્ધિ મેળવનાર તે ૨૩મો ખેલાડી અને ત્રીજો સાઉથ આફ્રિકન ખેલાડી બની શકે છે. લખનઉની ટીમ બે પૉઇન્ટ સાથે હાલમાં છઠ્ઠા ક્રમે છે.

sports news sports cricket news IPL 2024 lucknow super giants royal challengers bangalore