07 May, 2023 01:13 PM IST | Mumbai | Ajay Motivala
કૅમેરન ગ્રીન, સૅમ કરૅન
૨૦૦૮ની સાલમાં લલિત મોદીનો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ કરવા પાછળનો ઉદ્દેશ એ હતો કે ભારતને યુવા આશાસ્પદ ખેલાડીઓ મળે, ફોર્મ ગુમાવી ચૂકેલા પ્લેયર્સ ફરી ઇન્ટરનૅશનલમાં રમવાને લાયક થઈ જાય અને જૂના જોગીઓને પાછા રમવાનો મોકો મળે. આ માટે ફ્રૅન્ચાઇઝીના માલિકો દરેક ઑક્શનમાં કરોડો રૂપિયા લઈને આવતા હોય છે. તેઓ ખાસ પ્લાનિંગ સાથે આવે છે, જેમ કે અમુક ખેલાડીને કોઈ પણ ભોગે ખરીદી જ લેવો અને કેટલાક જો બેઝ પ્રાઇસમાં મળતા હોય તો જવા ન દેવા. ત્રણ મહિના પહેલાંની હરાજીમાં એવું જ બન્યું, પરંતુ થયું એવું કે ગાજ્યા મેઘ વરસ્યા જ નહીં અને જેની આશા જ નહોતી એવાં વાદળ વરસી પડ્યાં.
ફેબ્રુઆરીના ઑક્શનમાં પંજાબ કિંગ્સે ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅનને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસે લેવાની શરૂઆત કરી અને તેને ખરીદવા પડાપડી થઈ. છ ટીમ તેને લેવા મંડી પડી. ચેન્નઈએ સૅમને મેળવવા છેક ૧૧.૭૫ કરોડની બોલી લગાવી બધાને ચોંકાવી દીધેલા. પંજાબે એને પહેલી વાર ૧૩.૫૦ કરોડના ભાવે લેવા પ્રયાસ કર્યો અને લખનઉએ ડેરિંગ કરીને છેક ૧૫.૭૫ કરોડમાં લેવાની તૈયારી બતાવી. જેમ ડેથ ઓવરમાં થાય એમ ફરી રસાકસી થઈ અને છેવટે મુંબઈની ૧૮.૨૫ કરોડની બોલી સામે પંજાબે સૅમને ૧૮.૫૦ કરોડ રૂપિયામાં લીધો ત્યારે મામલો ઠંડો પડ્યો. એ સાથે સૅમ બન્યો આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી.
અહીં મૂળ મુદ્દો એ છે કે સૅમ કરૅને ૩ મે સુધીની ૧૦ મૅચમાં ખાસ કંઈ ઉકાળ્યું જ નહીં. ઈજાને લીધે શિખર ધવન કેટલીક મૅચ ન રમ્યો એટલે કૅપ્ટન્સીનો વધારાનો બોજ સૅમ પર આવી પડ્યો, પણ એકંદરે સૅમ ૧૮.૫૦ કરોડ તો શું બે કરોડ રૂપિયા જેટલું પણ નથી રમ્યો. પંજાબનું ફ્રૅન્ચાઇઝી માથે હાથ દેતું હશે અને બીજા ફ્રૅન્ચાઇઝી હાશકારો અનુભવતા હશે. ૧૦ મૅચમાં એક હાફ-સેન્ચુરી અને ૭ વિકેટ. આ છે સૅમનો પર્ફોર્મન્સ. સૅમ સૅમ.
મુંબઈ ઇન્ડિયન્સે ૧૭.૫૦ કરોડ રૂપિયામાં ખરીદેલા ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીને પણ ગઈ કાલની ૬ રનની ઇનિંગ્સ સુધીમાં વખાણવા જેવું કંઈ કર્યું નથી. બે હાફ-સેન્ચુરી અને વિકેટ માંડ પાંચ. આવા કરોડપતિ તો અડધી આઇપીએલ થાય ત્યાં સુધીમાં બે-ચાર મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ જીતે તો કંઈક ઉકાળ્યું કહેવાય. એક અવૉર્ડમાં શું ધાડ મારી!
લખનઉએ ૧૭ કરોડ રૂપિયામાં કૅપ્ટન તરીકે રીટેન કરેલો કે. એલ. રાહુલ આમેય ફોર્મમાં નહોતો અને હવે ઈજાને લીધે આઇપીએલની જ બહાર થઈ જતાં લખનઉની ગાડી પાટા પરથી ઊતરી તો ન કહેવાય, પણ એને થોડી બ્રેક તો લાગી જ છે. ચેન્નઈને ૧૬.૨૫ કરોડમાં ઇંગ્લૅન્ડનો બેન સ્ટોક્સ પણ માથે પડ્યો છે. શરૂઆતમાં બોલિંગ નહોતો કરી શકતો અને હવે પૂરો ફિટ નથી રહી શકતો.
લખનઉને ૧૬ કરોડમાં મળેલો નિકોલસ પૂરન બૅટિંગ ઉપરાંત કીપિંગમાં કંઈક કામ લાગી રહ્યો છે, પરંતુ તેનું પણ ખાસ કંઈ વખાણવા જેવું નથી. હૈદરાબાદે ૧.૫૦ કરોડ મૂળ કિંમત સામે નવ ગણા એટલે કે ૧૩.૨૫ કરોડ રૂપિયામાં ખરીદેલા હૅરી બ્રુકનું પણ એવું જ છે. આ ભાઈ ૧૪ એપ્રિલે કલકત્તા સામે સદી ફટકારીને હીરો બન્યો એ પછી સમજો કે ઝીરો જેવો જ છે.
આ બધા ‘નામ બડે ઓર દર્શન ખોટે’ જેવા કરોડપતિઓ કરતાં તિલક વર્મા, રિન્કુ સિંહ, વેન્કટેશ ઐયર અને બોલર્સમાં સુયશ શર્મા અને વરુણ ચક્રવર્તી જેવા આપણા યુવા ખેલાડીઓ તેમ જ ચાવલા, મિશ્રા જેવા જૂના જોગીઓ પોતાની ટીમને કામ લાગી રહ્યા છે. ઘણી ટીમોને આ વખતે કરોડોમાં મેળવેલા ખેલાડી કરતાં ૧૦-૨૦ લાખ કે કરોડ-બે કરોડમાં મળેલા પ્લેયર્સ જિતાડી રહ્યા છે.