06 April, 2025 07:12 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
૨૦૨૧ની પોતાની પહેલી IPL સીઝનના કૅપ્ટન ઑઇન મૉર્ગનને ઈડન ગાર્ડન્સમાં મળ્યો હતો વેન્કટેશ ઐયર.
કોલકાતા નાઇટ રાઇડર્સના વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૨૦૬.૯૦ના સ્ટ્રાઇક-રેટ સાથે સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૨૯ બૉલમાં ૬૦ રનની ઇનિંગ્સ રમીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. ૨૩.૭૫ કરોડ રૂપિયાનો આ IPLનો સૌથી મોંઘો ઑલરાઉન્ડર પહેલી બે મૅચમાં કુલ નવ જ રન બનાવી શક્યો હતો.
મૅચ બાદ વેન્કટેશ ઐયરે પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારોને કહ્યું હતું કે ‘ટીમનો સૌથી વધુ કમાણી કરતો પ્લેયર હોવાનો અર્થ એ નથી કે મારે દરેક મૅચમાં રન બનાવવા પડશે. આ એ બાબત પર આધારિત છે કે હું ટીમ માટે મૅચ કેવી રીતે જીતી શકું છું અને હું શું પ્રભાવ પાડી શકું છું. મને કેટલા પૈસા મળી રહ્યા છે અથવા હું કેટલા રન બનાવી રહ્યો છું એનું મારા પર કોઈ દબાણ નથી. મારા પર ક્યારેય આટલું દબાણ નહોતું. હું IPLની શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે તમને ૨૦ લાખ મળે છે કે ૨૦ કરોડ, એનાથી કોઈ ફરક પડતો નથી. હું એક ટીમ-પ્લેયર છું અને ટીમની જીતમાં યોગદાન આપવા માગું છું.`