04 April, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
ગઈ સીઝનમાં કૅપ્ટન તરીકે કોલકાતા નાઇટ રાઇડર્સને IPLની ચૅમ્પિયન બનાવીને વાહ-વાહ મેળવનાર શ્રેયસે મંગળવારે લખનઉ સામેની જીત સાથે વધુ એક કારનામું કરી નાખ્યું છે. IPLમાં કૅપ્ટન તરીકે તેની આ સતત આઠમી જીત હતી. ગઈ સીઝનમાં કલકત્તાને સતત ૬ મૅચમાં જીત અપાવીને ચૅમ્પિયન બનાવ્યું હતું અને આ નવી સીઝનમાં નવી ટીમ પંજાબ કિંગ્સની કમાન સંભાળીને એને પ્રથમ બન્ને મૅચમાં શાનદાર જીત અપાવી છે. IPLમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ સતત મૅચ જીતવાને મામલે તે હવે મહેન્દ્ર સિંહ ધોની (સતત સાત જીત, ૨૦૧૩માં)ને પાછળ છોડીને શેન વૉર્ન સાથે સંયુક્ત રીતે બીજા નંબરે પહોંચી ગયો છે. શેન વૉર્ને ૨૦૦૮માં સતત આઠ મૅચમાં જીત અપાવી હતી. આ મામલે ગૌતમ ગંભીર ૧૦ જીત (૨૦૧૪-’૧૫માં કોલકાતા નાઇટ રાઇડર્સને) સાથે પ્રથમ ક્રમાંકે છે.
શ્રેયસની બૅટિંગ એટલે ત્રીજા ગિયરમાં રોલ્સ-રૉયસ : પૉન્ટિંગ
પ્રથમ બન્ને મૅચમાં પંજાબ ટીમના અફલાતૂન પર્ફોર્મન્સ અને જીતને લીધે હેડ કૉચ રિકી પૉન્ટિંગ કૅપ્ટન શ્રેયસ ઐયર પર વારી ગયો છે. ઐયરે બન્ને મૅચમાં બૅટ વડે પણ શાનદાર પ્રદર્શન કરતાં હાફ-સેન્ચુરી ફટકારી હતી. મંગળવારે લખનઉ સામેની જીત બાદ ટીમ સાથેની મીટિંગમાં પૉન્ટિંગે કહ્યું હતું કે ‘કૅપ્ટને (ઐયરે) ફરીથી બધું આસાન કરી દીધું હતું. રોલ્સ-રૉયસ દિવસ દરમ્યાન મોટા ભાગે ત્રીજા ગિયરમાં જ રહી. આનાથી વધુ આક્રમક થવાની જરૂર નથી.’