01 April, 2025 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
પાંચમી એપ્રિલે રાજસ્થાન રૉયલ્સ પોતાની આગામી મૅચ પંજાબ કિંગ્સ સામે પંજાબના હોમ ગ્રાઉન્ડ પર રમશે, પણ આ પહેલાં રાજસ્થાનના સ્ટાર બૅટર સંજુ સૅમસને ગુવાહાટીથી બૅન્ગલોરની ફ્લાઇટ પકડી છે. જમણા હાથની તર્જની આંગળીમાં સર્જરી કરાવ્યા બાદ ચાલુ IPLમાં રમવા માટે ફક્ત તેને આંશિક અને કામચલાઉ મંજૂરી આપવામાં આવી હતી જેને કારણે રિયાન પરાગને પહેલી ત્રણ મૅચ માટે કૅપ્ટન્સી સોંપીને સંજુ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે જ રમ્યો હતો.
સંજુ બૅન્ગલોરસ્થિત ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સ એટલે કે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA)માં મેદાન પર રમવા માટે સંપૂર્ણ મંજૂરી મેળવવા ગયો છે. NCAની સ્પોર્ટ્સ સાયન્સ વિંગ દ્વારા પરીક્ષણોમાંથી પસાર થયા બાદ તેને મેદાન પર વિકેટકીપિંગ સહિતની સંપૂર્ણ ફરજો માટે મંજૂરી આપવામાં આવશે.