02 April, 2025 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલીવુડ સિંગર મિકા સિંહના પર્ફોર્મન્સ બાદ શરૂ થઈ લખનઉ અને પંજાબની મૅચ.
IPL 2025ની ૧૩મી મૅચમાં લખનઉ સુપર જાયન્ટ્સને આઠ વિકેટે હરાવીને પંજાબ કિંગ્સે સીઝનની બીજી જીત નોંધાવી છે. પોતાના હોમ ગ્રાઉન્ડમાં સીઝનની પહેલી મૅચ રમતાં લખનઉએ સાત વિકેટ ગુમાવીને ૧૭૧ રન ફટકાર્યા હતા. જવાબમાં પંજાબની ટીમે ૧૬.૨ ઓવરમાં બે વિકેટે ૧૭૭ રન ફટકારી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. સતત બીજી જીત સાથે પંજાબની ટીમ લખનઉ સામે સળંગ ત્રીજી મૅચમાં હારતાં પણ બચ્યું હતું. પંજાબની ટીમે પૉઇન્ટ્સ-ટેબલમાં પાંચમા ક્રમથી બીજા ક્રમે છલાંગ લગાવી દિલ્હી કૅપિટલ્સનું નંબર-ટૂનું સ્થાન છીનવી લીધું હતું.
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી લખનઉની ટીમે ૪.૫ ઓવરમાં ૩૫ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન (૩૦ બૉલમાં ૪૪ રન) અને યંગ બૅટર આયુષ બદોની (૩૩ બૉલમાં ૪૧ રન)એ ચોથી વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી કરીને ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. બદોનીએ ડેથ ઓવર્સમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યાં તેણે અનુભવી ફિનિશર ડેવિડ મિલર (૧૮ બૉલમાં ૧૯ રન) સાથે પાંચમી વિકેટ માટે ૩૦ રન અને અબ્દુલ સમદ (૧૨ બૉલમાં ૨૭ રન) સાથે ૪૭ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૧૭૧ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
IPLનો સૌથી મોંઘો પ્લેયર અને કૅપ્ટન, લખનઉનો રિષભ પંત પાંચ બૉલમાં માત્ર બે રન બનાવી કૅચઆઉટ થયો હતો. ૨૭ કરોડ રૂપિયાનો આ પ્લેયર સળંગ ત્રીજી મૅચમાં ફ્લૉપ રહ્યો હતો. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો, તેણે ૪૩ રન આપીને ત્રણ વિકેટ લીધી, જ્યારે ઇન્જરીમાંથી વાપસી કરનાર ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન, માર્કો યાન્સેન સહિત સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને ગ્લેન મૅક્સવેલને ૧-૧ સફળતા મળી હતી.
૧૮મી સીઝનની સતત બીજી ઇનિંગ્સમાં ૫૦ પ્લસ રનની અણનમ ઇનિંગ્સ રમનાર પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરે (૩૦ બૉલમાં બાવન રન અણનમ) બે મોટી ભાગીદારી કરીને ૧૭૨ રનના ટાર્ગેટને સરળતાથી ચેઝ કરી લીધો હતો. તેણે વિકેટકીપર-બૅટર પ્રભસિમરન સિંહ (૩૪ બૉલમાં ૬૯ રન) સાથે બીજી વિકેટ માટે ૮૪ રન અને યંગ બૅટર નેહલ વઢેરા (પચીસ બૉલમાં ૪૩ રન અણનમ) સાથે અણનમ ૬૭ રનની પાર્ટનરશિપ કરી હતી. લખનઉ તરફથી માત્ર યંગ સ્પિનર દિગ્વેશ સિંહ રાઠી (૩૦ રનમાં બે વિકેટ) જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
IPLમાં કોણ કેટલાં પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
બૅન્ગલોર |
૨ |
૨ |
૦ |
+૨.૨૬૬ |
૪ |
પંજાબ |
૨ |
૨ |
૦ |
+૧.૪૮૫ |
૪ |
દિલ્હી |
૨ |
૨ |
૦ |
+૧.૩૨૦ |
૪ |
ગુજરાત |
૨ |
૧ |
૧ |
+૦.૬૨૫ |
૨ |
મુંબઈ |
૩ |
૧ |
૨ |
+૦.૩૦૯ |
૨ |
લખનઉ |
૩ |
૧ |
૨ |
- ૦.૧૫૦ |
૨ |
ચેન્નઈ |
૩ |
૧ |
૨ |
-૦.૭૭૧ |
૨ |
હૈદરાબાદ |
૩ |
૧ |
૨ |
-૦.૮૭૧ |
૨ |
રાજસ્થાન |
૩ |
૧ |
૨ |
-૧.૧૧૨ |
૨ |
કલકત્તા |
૩ |
૧ |
૨ |
-૧.૪૨૮ |
૨ |