25 March, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એમ. એસ. ધોની
IPL 2025ની શરૂઆતથી જ ભૂતપૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોનીની નિવૃત્તિની ચર્ચા થઈ રહી છે. જોકે જિયોહૉટસ્ટાર પર ૪૩ વર્ષના ધોનીએ પોતાના ભવિષ્ય વિશે સંકેત આપતાં કહ્યું કે ‘હું જ્યાં સુધી ઇચ્છું ત્યાં સુધી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે રમી શકું છું. આ મારી ફ્રૅન્ચાઇઝી છે. જો હું વ્હીલચૅર પર હોઉં તો પણ તેઓ મને ખેંચીને લઈ જશે.’
કૅપ્ટન રુતુરાજ ગાયકવાડે પણ એક પ્રેસ-કૉન્ફરન્સમાં ધોનીના પ્રદર્શન અને ટીમ પર તેના ઇમ્પૅક્ટની પ્રશંસા કરી હતી.
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકર પણ ધોની વિશે કહે છે કે ‘આપણે તેની નિવૃત્તિનો પ્રશ્ન કેમ પૂછવો જોઈએ? તેને પ્રેશર શા માટે આપવું જોઈએ? જ્યારે પણ લોકો ધોની પર સવાલ ઉઠાવે છે ત્યારે તે તેમને ખોટા સાબિત કરે છે. તેની ક્ષમતા પર શંકા ન કરો. આ ઉંમરે પણ તે ફક્ત સીમા પાર જ નહીં, પરંતુ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન સ્ટૅન્ડમાં પણ છગ્ગા મારી રહ્યો છે. ધોનીની ઉંમર ફક્ત એક સંખ્યા છે.’