26 November, 2024 08:34 AM IST | Riyadh | Gujarati Mid-day Correspondent
૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાને ખરીદ્યો
સાઉદી અરેબિયામાં આયોજિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નું મેગા ઑક્શન આ ટુર્નામેન્ટના ઇતિહાસનું સૌથી મોંઘું ઑક્શન બન્યું છે. આ પહેલાં IPL 2022માં આયોજિત મેગા ઑક્શનમાં ૨૦૪ પ્લેયર્સ ખરીદવા માટે ૧૦ ટીમોએ ૫૫૧.૭ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ગઈ કાલે ખતમ થયેલા મેગા ઑક્શનના પહેલા ૧૮૨ પ્લેયર્સ ખરીદવા માટે ફ્રૅન્ચાઇઝીએ ૬૩૯.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પહેલી વાર IPL ઑક્શનમાં ૬૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ ૧૦ ફ્રૅન્ચાઇઝીઓએ મળીને કર્યો છે. ગઈ કાલે મેગા ઑક્શનના બીજા દિવસે પણ ઘણી મોટી બોલી લાગી હતી અને કેટલાક સ્ટાર પ્લેયર્સ અનસોલ્ડ પણ રહ્યા હતા.
છેલ્લી સીઝનમાં હૈદરાબાદ માટે ૪.૨૦ કરોડ રૂપિયામાં રમનાર અનુભવી ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર ૧૦.૭૫ કરોડ રૂપિયાની બોલી લગાવીને બૅન્ગલોરે ખરીદ્યો છે. છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં ભારતીય ટીમ માટે રમનાર ભુવનેશ્વરની સૅલેરીમાં ૬.૫૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ગયા વખતે ૧૮ કરોડ રૂપિયામાં વેચાયેલા ઇંગ્લૅન્ડના સૅમ કરૅનને ચેન્નઈ સુપર કિંગ્સે ૨.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાને બૅન્ગલોરે ૫.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રાજસ્થાન રૉયલ્સે નીતીશ રાણાને ૪.૨૦ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપને લખનઉએ ૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેને ૭.૮૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે, કારણ કે તે છેલ્લે બૅન્ગલોર માટે ૨૦ લાખ રૂપિયામાં જ રમ્યો હતો. ઇન્જરીને કારણે ચેન્નઈની પ્લેઇંગ ઇલેવનમાંથી છેલ્લા ઘણા સમયથી બહાર રહેલો દીપક ચાહર ૯.૨૫ કરોડ રૂપિયામાં મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થયો છે.
સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને ગુજરાત ટાઇટન્સે ૩.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મુંબઈમાં જન્મેલા ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેને રાજસ્થાન રૉયલ્સે ૧.૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યાન્સેનને પંજાબ કિંગ્સે ૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સાઉથ આફ્રિકાના અનુભવી ફાફ ડુ પ્લેસી અને વેસ્ટ ઇન્ડીઝના રોવમૅન પોવેલને દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સે અનુક્રમે બે કરોડ અને ૧.૫૦ કરોડમાં ખરીદ્યા છે.
બિહારનો ૧૩ વર્ષનો વૈભવ સૂર્યવંશી IPL ઑક્શનમાં સોલ્ડ થનાર સૌથી યંગેસ્ટ પ્લેયર્સ બન્યો છે. ૩૦ લાખની બેઝ-પ્રાઇસવાળા આ બૅટરને રાજસ્થાને ૧.૧ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે ઑક્શન માટે રજિસ્ટ્રેશન કરાવનાર પણ સૌથી યંગેસ્ટ પ્લેયર છે.
મુંબઈનો બૅટર સરફરાઝ ખાન ૭૫ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો હતો. ઈરાની કપ પહેલાં કાર-ઍક્સિડન્ટમાં ઇન્જર્ડ થયેલા તેના નાના ભાઈ મુશીર ખાનને પંજાબ કિંગ્સે ૩૦ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ-પ્રાઇસ ૨૦ લાખ રૂપિયા હતી. પંજાબ કિંગ્સે ઑસ્ટ્રેલિયા માટે હાલમાં પાકિસ્તાન સામે કૅપ્ટન્સી કરનાર જોશ ઇંગ્લિસને ૨.૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
હાલમાં કેરલા સામે રણજી મૅચમાં હરિયાણા માટે એક ઇનિંગ્સમાં ૧૦ વિકેટ લેનાર ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ માટે દિલ્હી, લખનઉ અને મુંબઈ વચ્ચે રસાકસી જોવા મળી હતી. ૩૦ લાખની બેઝ-પ્રાઇસવાળા આ પ્લેયર પર ૩.૪ કરોડની બોલી લગાવીને ચેન્નઈએ ખરીદ્યો છે.
અફઘાનિસ્તાન માટે શાનદાર પ્રદર્શન કરી રહેલા ૧૮ વર્ષના બૅટ્સમૅન અલ્લાહ ગઝનફરને મુંબઈ ઇન્ડિયન્સે ૪.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ-પ્રાઇસ ૭૫ લાખ રૂપિયા હતી.
મુંબઈ માટે રમેલા ટિમ ડેવિડને બૅન્ગલોરે ત્રણ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દિલ્હીમાંથી રિલીઝ થયેલા અનુભવી બોલર ઈશાંત શર્માને ૭૫ લાખની બેઝ-પ્રાઇસમાં ગુજરાતે ખરીદ્યો છે.
બે કરોડની બ્રેઝ-પ્રાઇસવાળા ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર વિલ જેક્સને મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૫.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં ધમાલ મચાવનાર ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનરને બે કરોડની બેઝ-પ્રાઇસમાં જ મુંબઈએ પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
દિલ્હી પ્રીમિયર લીગની પહેલી સીઝનની શરૂઆતમાં સેન્ચુરી મારનાર ઓપનિંગ બૅટર પ્રિયાંશ આર્યનને પંજાબ કિંગ્સની ટીમે ૩.૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ૩૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસવાળા આ પ્લેયર માટે દિલ્હી, મુંબઈ અને બૅન્ગલોરે પણ છેલ્લે સુધી બોલી લગાવી હતી.
બે રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા બાદ અર્જુન તેન્ડુલકરને મુંબઈ ઇન્ડિયન્સે ૩૦ લાખની બેઝ-પ્રાઇસમાં ખરીદ્યો
અર્જુન તેન્ડુલકર
ગઈ કાલે રાતે ૯.૩૦ વાગ્યાથી પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહેલા પ્લેયર્સ માટે ઑક્શનનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. દેવદત્ત પડિક્કલને બેન્ગલોરે બે કરોડની બેઝ-પ્રાઇસમાં, ગ્લેન ફિલિપ્સને ગુજરાતે બે કરોડ રૂપિયામાં, અજિંક્ય રહાણેને કલકત્તાએ ૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
બે રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા બાદ અર્જુન તેન્ડુલકરને મુંબઈ ઇન્ડિયન્સે ૩૦ લાખની બેઝ-પ્રાઇસમાં ખરીદ્યો છે.
ફાસ્ટ બોલિંગ માટે જાણીતો ઉમરાન મલિક બીજા રાઉન્ડમાં ૭૫ લાખની બેઝ-પ્રાઇસમાં કલકત્તાની ટીમમાં સામેલ થયો હતો. ઇંગ્લૅન્ડના સ્પિનર મોઈન અલીને કલકત્તાએ બેઝ-પ્રાઇસ બે કરોડમાં ખરીદ્યો હતો.
ડેવિડ વૉર્નર, પીયૂષ ચાવલા, શાર્દૂલ ઠાકુર, મયંક અગરવાલ, સિકંદર રઝા, ટૉમ લૅધમ જેવા સ્ટાર પ્લેયર્સ બીજા રાઉન્ડ બાદ પણ અનસોલ્ડ રહ્યા હતા.
રાઇટ ટુ મૅચ (RTM) કાર્ડ દ્વારા ગઈ કાલે ફાસ્ટ બોલર મુકેશ કુમાર (૮ કરોડ)ને દિલ્હીએ, સ્પિનર સાઈ કિશોર (બે કરોડ)ને ગુજરાતે, વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર શમર જોસેફ (૭૫ લાખ)ને લખનઉએ, ઑલરાઉન્ડર સ્વપ્નિલ સિંહ (૫૦ લાખ)ને બૅન્ગલોરે પોતાની ટીમમાં ફરી સામેલ કર્યા છે.
સાઉથ આફ્રિકાના ૧૮ વર્ષના ફાસ્ટ બોલર ક્વેના મફાકાને રાજસ્થાને ૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગઈ સીઝનમાં મુંબઈ માટે ૫૦ લાખ રૂપિયામાં રમનાર આ ફાસ્ટ બોલરની બેઝ-પ્રાઇસ આ મેગા ઑક્શનમાં ૭૫ લાખ રૂપિયા હતી.
ચેન્નઈએ પોતાના નેટ બોલર ગુર્જપનીત સિંહને ૨.૨ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ૩૦ લાખની બેઝ-પ્રાઇસવાળા આ ફાસ્ટ બોલરનો જન્મ લુધિયાણામાં થયો છે. ૧૭ વર્ષની ઉંમરે તે ચેન્નઈ શિફ્ટ થયો હતો. ૨૬ વર્ષના આ પ્લેયરે ઑક્ટોબર ૨૦૨૪માં તામિલનાડુ માટે રણજી ડેબ્યુ કર્યું હતું.
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન આ ઑક્શનમાં ૪૨ વર્ષની ઉંમર સાથે સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર હતો પણ તેને ખરીદવા માટે કોઈ ફ્રૅન્ચાઇઝીએ બોલી લગાવી નહોતી.
ગઈ કાલે રાતે ૧૦.૩૦ વાગ્યા પહેલાં સૌથી પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની પચીસ સભ્યોની સ્ક્વૉડ સેટ કરી લીધી હતી. તેમની પાસે છેલ્લે પાંચ લાખ રૂપિયાનું બજેટ બાકી રહ્યું હતું. ત્યાર બાદ ૩૫ લાખ બચાવી રાખીને પંજાબ કિંગ્સે પણ પોતાની સ્ક્વૉડ પૂરી કરી હતી.
મેગા ઑક્શનના બે દિવસમાં ૧૮૨ પ્લેયર્સ પર ૬૩૯.૧૫ કરોડ રૂપિયાનો વરસાદ થયો
૨૦૪માંથી ૧૮૨ સ્લૉટ માટે પ્લેયર્સની ખરીદી થઈ છે. કુલ બજેટ ૬૪૧.૫ કરોડમાંથી ૬૩૯.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ૬૨ વિદેશી પ્લેયર્સ આ મેગા ઑક્શનમાં ખરીદવામાં આવ્યા છે. મેગા ઑક્શનના બન્ને દિવસમાં કુલ આઠ રાઇટ-ટુ-મૅચ કાર્ડનો ઉપયોગ થયો હતો.
ચેન્નઈ અને પંજાબ બાદ ગુજરાતની ફ્રૅન્ચાઇઝી પણ પોતાના પચીસ પ્લેયર્સની સ્ક્વૉડ પૂરી કરી શકી છે. બૅન્ગલોર બાવીસ, રાજસ્થાન ૨૦, હૈદરાબાદ ૨૦, મુંબઈ ૨૩, દિલ્હી ૨૩, લખનઉ ૨૪ અને કલકત્તા ૨૧ સભ્યોની સ્ક્વૉડ બનાવી શકી છે એટલે કે બે દિવસના મેગા ઑક્શન બાદ બાવીસ પ્લેયર્સના સ્લૉટ ખાલી રહ્યા છે.