મુશીર ખાન પહેલી વાર IPLમાં રમશે

27 November, 2024 08:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેલા સરફરાઝ ખાને નાના ભાઈ માટે શાયરી લખીને દિલી જીતી લીધું

ભાઈઓ સરફરાઝ ખાન અને મુશીર ખાન

મુંબઈના ક્રિકેટર બ્રધર્સની જોડી સાથે IPL મેગા ઑક્શનમાં એક વિચિત્ર ઘટના બની છે. ૨૭ વર્ષનો ભારતીય ક્રિકેટ ટીમનો બૅટર સરફરાઝ ખાન ઑક્શનમાં અનસોલ્ડ રહ્યો છે, જ્યારે તેના ૧૯ વર્ષના નાના ભાઈ મુશીર ખાનને પંજાબ કિંગ્સે ૩૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં કાર-ઍક્સિડન્ટનો શિકાર બનેલા મુશીરને પહેલી વાર IPL કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. મુંબઈની ડોમેસ્ટિક ટીમ માટે પણ મુશીર ક્યારેય T20 મૅચ રમ્યો નથી. ડિસેમ્બર ૨૦૨૨થી હમણાં સુધી તેને ૯ ફર્સ્ટ ક્લાસ મૅચનો અનુભવ છે, જ્યારે સરફરાઝ ખાનને ૨૦૧૫થી હમણાં સુધી બૅન્ગલોર, પંજાબ અને દિલ્હીની ફ્રૅન્ચાઇઝીઓ તરફથી ૫૦ મૅચ રમવાનો અનુભવ હોવા છતાં તે અનસોલ્ડ રહ્યો છે.

સોશ્યલ મીડિયા પર આ વાતની ભારે ચર્ચા થતાં સરફરાઝ ખાને નાના ભાઈ માટે શાયરી લખીને સૌનાં દિલ જીતી લીધાં હતાં. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખેલી શાયરીનો અર્થ એવો હતો કે ‘મને અફસોસ છે પણ એટલો નથી. મારી આંખો રડવાથી લાલ નથી થઈ. મજા તો ત્યારે આવે જ્યારે આપણે હાર્યા પછી પણ હસતા રહીએ. હંમેશાં જીતવું જરૂરી નથી.’ સરફરાઝ ખાને ૭૫ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે મેગા ઑક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

indian premier league sarfaraz khan punjab kings IPL 2025 cricket news sports news sports social media instagram