26 November, 2024 09:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંજીવ ગોએન્કા
લખનઉ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મેગા ઑક્શનમાં ૨૭ કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવીને રિષભ પંતને ખરીદ્યો હતો. ભારતીય બૅટર કે. એલ. રાહુલને રિલીઝ કરીને તેઓ તેના સ્થાને રિષભ પંતને કૅપ્ટન બનાવવાની યોજના બનાવી રહ્યા છે, પણ આ બોલી લગાવતી વખતે તેમણે એક મોટી ભૂલ કરી હતી.
ફ્રૅન્ચાઇઝીના ઓનર સંજીવ ગોએન્કાએ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે પંત એક ટીમમૅન છે, મૅચ-વિનર છે અને અમે તેને ખરીદીને ખુશ છીએ; જોકે અમે તેને માટે ૨૬ કરોડ રૂપિયા નક્કી કર્યા હતા, ૨૭ કરોડ રૂપિયામાં પંતને ખરીદવાનું થોડું મોંઘું પડ્યું.
લખનઉએ ૨૦.૭૫ કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. એ પછી દિલ્હી કૅપિટલ્સ એના રાઇટ ટુ મૅચ (RTM) કાર્ડનો ઉપયોગ કરવા માગતી હતી, પણ લખનઉએ અધધધ ૨૭ કરોડની બોલી લગાવીને દિલ્હીની બોલતી બંધ કરી દીધી હતી. ૨૦૧૬માં આ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરનાર પંત પહેલી વાર દિલ્હી સિવાયની ફ્રૅન્ચાઇઝી માટે રમતો જોવા મળશે.