29 November, 2024 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હી કૅપિટલ્સના માલિક પાર્થ જિંદલ
દિલ્હી કૅપિટલ્સના માલિક પાર્થ જિંદલે એક ઇન્ટરવ્યુમાં ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત બાબતે મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘રિષભ પંત અને અમારા વચ્ચે પૈસાનો ક્યારેય મુદ્દો નથી રહ્યો. ફ્રૅન્ચાઇઝીના સંચાલન બાબતે અમારાં અલગ-અલગ મંતવ્યો હતાં એથી પંત ફ્રૅન્ચાઇઝીથી અલગ થયો. તે ફ્રૅન્ચાઇઝની કામગીરી સાથે સંબંધિત છે. અમને તેની પાસેથી ચોક્કસ અપેક્ષા હતી અને તેને અમારી પાસેથી ચોક્કસ અપેક્ષા હતી. હું ફક્ત એટલું જ કહી શકું છું કે અમે કેટલીક બાબતો પર સહમત થઈ શક્યા નથી.’
મેગા ઑક્શનમાં ૨૭ કરોડ રૂપિયાની બોલી સાથે સૌથી મોંઘા પ્લેયર બનેલા રિષભ પંતને ખરીદવા માટે બૅન્ગલોર અને હૈદરાબાદે પણ બોલી લગાવી હતી પણ અંતિમ સમયમાં લખનઉએ બાજી મારી હતી. આ વિશે વાત કરતાં પાર્થ જિંદલે કહ્યું કે ‘તેને પાછો ખરીદવાનો નિર્ણય અમારા માટે મુશ્કેલ હતો. અમે તેના માટે ૨૦.૭૫ કરોડ રૂપિયા પર રાઇટ-ટુ-મૅચ (RTM) કાર્ડનો ઉપયોગ કર્યો, પરંતુ લખનઉની ૨૭ કરોડ રૂપિયાની બોલીને કારણે બજેટ ખૂબ જ વધી ગયું. અમે તેને ૨૨-૨૩ કરોડ રૂપિયા સુધીમાં ખરીદવા તૈયાર હતા.’