28 November, 2024 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
૨૯ વર્ષના ભારતીય બૅટર શ્રેયસ ઐયર માટે IPL 2025ના મેગા ઑક્શનની શરૂઆતમાં જ ૨૬.૭૫ કરોડ રૂપિયાની બોલી લાગી હતી. IPL ઑક્શનના બીજા સૌથી મોંઘા પ્લેયર શ્રેયસને પંજાબ કિંગ્સે મહામહેનતે પોતાની ટીમમાં સામેલ કર્યો છે, કારણ કે બે કરોડની બેઝ-પ્રાઇસવાળા શ્રેયસને ખરીદવા માટે ત્રણ ફ્રૅન્ચાઇઝીઓએ મળીને ૧૦૩ વાર બોલી લગાવી હતી જે આ મેગા ઑક્શનની સૌથી લાંબી બિડિંગ-વૉર બની હતી.
૭ કરોડ સુધી કલકત્તા અને પંજાબ વચ્ચે રસાકસી જોવા મળી. ૭.૨૫ કરોડથી ૧૦ કરોડ વચ્ચે દિલ્હી અને કલકત્તા વચ્ચે તેને ખરીદવા જંગ જામ્યો હતો. ૧૦ કરોડને પાર બોલી પહોંચતાં કલકત્તાએ પીછેહઠ કરી હતી. ૧૦.૨૫ કરોડ પર ફરી એન્ટ્રી મારીને પંજાબ કિંગ્સે આ બિડિંગ-વૉરને દિલ્હી સાથે મળી છેક ૨૬.૭૫ કરોડ રૂપિયા સુધી પહોંચાડી હતી. છેલ્લી સીઝનમાં ૧૨.૨૫ કરોડ રૂપિયામાં રમીને કોલકાતા નાઇટ રાઇડર્સને ચૅમ્પિયન બનાવનાર શ્રેયસ ઐયરની સૅલેરીમાં ૧૪.૫૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે.