29 March, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદ સામેની જીત બાદ ઑરેન્જ કૅપ હોલ્ડર નિકોલસ પૂરન અને પર્પલ કૅપ હોલ્ડર શાર્દૂલ ઠાકુર સાથે કૅપ્ટન રિષભ પંત.
ગુરુવારે લખનઉ સુપર જાયન્ટ્સે રિષભ પંતના નેતૃત્વમાં અને IPL 2025માં પોતાની પહેલી જીત વિસ્ફોક્ટ બૅટિંગ-બોલિંગ યુનિટ ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે નોંધાવી હતી.
રિષભ પંતે બૅટ્સમૅન માટે સ્વર્ગ ગણાતી રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની પિચ પર ટૉસ જીતીને હૈદરાબાદને પહેલાં બૅટિંગની તક આપીને સૌને ચોંકાવી દીધા હતા. ટૉસ જીત્યા બાદ તેણે કહ્યું હતું કે હરીફ ટીમ કેટલો પણ સ્કોર બનાવે અમને ફરક નથી પડતો, અમે કોઈ પણ ટાર્ગેટ ચેઝ કરી લઈશું. ૨૩ બૉલ પહેલાં ૧૯૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને તેની ટીમે આ કમાલ કરી બતાવી હતી.
આ મૅચમાં એક સિક્સરની મદદથી ૧૫ બૉલમાં ૧૫ રનની ઇનિંગ્સ રમનાર રિષભ પંતે મૅચ બાદ કહ્યું કે ‘ચોક્કસપણે આ જીત એક મોટી રાહત છે, પરંતુ એક ટીમ તરીકે અમે પ્રક્રિયા વિશે વાત કરીએ છીએ. અમે જીત પછી ખૂબ ઉત્સાહિત થવા માગતા નથી કે હાર પછી ખૂબ નિરાશ થવા માગતા નથી. અમે એક સમયે ફક્ત એક જ મૅચ વિશે વિચારીએ છીએ.’