03 April, 2025 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લખનઉ સુપર જાયન્ટ્સને મંગળવારે ઘરઆંગણે પંજાબ કિંગ્સ સામે ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો
લખનઉ સુપર જાયન્ટ્સને મંગળવારે ઘરઆંગણે પંજાબ કિંગ્સ સામે ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં ત્રીજી મૅચમાં આ તેમની બીજી હાર હતી. પંજાબની બન્ને વિકેટ લખનઉના પચીસ વર્ષના યુવા સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીએ લીધી હતી. જોકે દિગ્વેશને પંજાબના ઓપનર પ્રિયાંશ આર્યના રૂપમાં પ્રથમ વિકેટ બાદ ઉત્સાહમાં કરેલું સેલિબ્રેશન ભારે પડ્યું હતું. ઇનિંગ્સની ત્રીજી અને દિગ્વેશની પ્રથમ ઓવરના પાંચમા બૉલે પ્રિયાશ આર્ય (૮ રન) શાર્દૂલ ઠાકુરને કૅચ આપી બેઠો હતો. વિકેટ બાદ દિગ્વેશ દિલ્હી ટીમ વતી તેની સાથે રમતા અને મિત્ર પ્રિયાંશને ચીડવવા તેની પાસે દોડી ગયો હતો અને નોટબુકમાં કંઈક લખતો હોય એ પ્રકારનું સેલિબ્રેશન કર્યું હતું. અમ્પાયર્સને દિગ્વેશનું આ સેલિબ્રેશન જરાય ગમ્યું નહોતું અને તેને આ માટે સમજાવ્યો પણ હતો.
મૅચ બાદ ટુર્નામેન્ટના કૉડ ઑફ કન્ડક્ટ અનુસાર દિગ્વેશને લેવલ વનનો દોષી માનવામાં આવ્યો હતો અને રેફરીએ તેને પચીસ ટકા મૅચ ફી તથા એક ડીમેરિટ પૉઇન્ટનો દંડ કરવામાં આવ્યો હતો. દિગ્વેશે તેનો ગુનો અને દંડ કબૂલ કરી લીધા હતા.
કૅરિબિયન પેસબોલર વિલિયમ્સને લીધે જાણીતું થયું હતું નોટબુક સેલિબ્રેશન
દિગ્વેશના આ સેલિબ્રેશને ચાહકોને વેસ્ટ ઇન્ડિઝના પેસબોલર કેસરિક વિલિયમ્સની યાદ અપાવી હતી. વિલિયમ્સની વિકેટ લીધા બાદ આ પ્રકારની ઉજવણીને લીધે એ નોટબુક સેલિબ્રેશન તરીકે જાણીતું થઈ ગયું હતું. ૨૦૧૯માં ભારત સામેની સિરીઝ દરમ્યાન વિરાટ કોહલીને આઉટ કર્યા બાદ તેના આ જ પ્રકારના સેલિબ્રેશનને લીધે બન્ને વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો.