05 November, 2024 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોસ બટલર પરિવાર સાથે
IPL 2025 માટે રાજસ્થાન રૉયલ્સની ફ્રૅન્ચાઇઝીએ સંજુ સૅમસન (૧૮ કરોડ), યશસ્વી જાયસવાલ (૧૮ કરોડ), રિયાન પરાગ (૧૪ કરોડ), ધ્રુવ જુરેલ (૧૪ કરોડ), શિમરન હેટમાયર (૧૧ કરોડ) અને સંદીપ શર્મા (૪ કરોડ)ને રીટેન કર્યા છે. ગઈ સીઝનમાં પ્લેઑફ્સ પહેલાં નૅશનલ ડ્યુટીને કારણે ટીમનો સાથ છોડનાર ઇંગ્લૅન્ડના ઓપનર જોસ બટલરને રીટેન નથી કરવામાં આવ્યો. ઑક્શનમાં પણ ફ્રૅન્ચાઇઝી તેના માટે રાઇટ ટુ મૅચ (RTM) કાર્ડનો ઉપયોગ કરે એવી શક્યતા ઓછી છે. હવે મેગા ઑક્શન માટે ટીમ પાસે પર્સ-વૅલ્યુમાં ૪૧ કરોડ રૂપિયા બાકી છે.
આ જ કારણોસર જોસ બટલરે ઑક્શન પહેલાં જ ફ્રૅન્ચાઇઝી માટે ફેરવેલ પોસ્ટમાં લખ્યું હતું કે ‘એવું લાગે છે કે આ એક અંત છે. રાજસ્થાન રૉયલ્સનો આભાર અને આ ૭ અદ્ભુત વર્ષો દરમ્યાન મારી સાથે રહેલા તમામ લોકોનો આભાર. ૨૦૧૮ મારી ક્રિકેટ-કરીઅરનાં શ્રેષ્ઠ વર્ષોની શરૂઆત તરીકે ચિહ્નિત છે અને ગુલાબી જર્સીમાં મારી પાસે ઘણી યાદગાર ક્ષણો છે. ખુલ્લા હાથે મારું અને મારી ફૅમિલીનું સ્વાગત કરવા બદલ આભાર.’
જોસ બટલરે રાજસ્થાન રૉયલ્સ માટે ૮૩ મૅચમાં ૭ સેન્ચુરી અને ૧૮ ફિફ્ટીની મદદથી ૩૦૫૫ રન ફટકાર્યા છે. એકલા હાથે ટીમને ઘણી મહત્ત્વની મૅચોમાં તેણે જીત અપાવી છે.