26 March, 2025 07:03 AM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
મિચલ માર્શે ૩૬ બૉલમાં ૭૨ રન અને નિકોલસ પૂરને ૩૦ બૉલમાં ૭૫ રન ફટકાર્યા હતા. બન્નેએ ૮૭ રનની ભાગીદારી કરી હતી.
વિશાખાપટનમમાં IPL 2025ની ચોથી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે એક વિકેટે લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીત નોંધાવી હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી લખનઉની ટીમે મિચલ માર્શ અને નિકોલસ પૂરનની શાનદાર ફિફ્ટીની મદદથી ૮ વિકેટ સાથે ૨૦૯ રનનો સ્કોર કર્યો હતો. દિલ્હીએ ૨૬ વર્ષના ઇમ્પૅક્ટ પ્લેયર આશુતોષ શર્માના ૩૧ બૉલમાં ૬૬ રનના જોરે ૯ વિકેટે ૧૯.૩ ઓવરમાં ૨૧૧ રન બનાવી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. એક જ વિકેટ હાથમાં હતી ત્યારે તેણે વિનિંગ સિક્સર ફટકારી દિલ્હીને યાદગાર જીત અપાવી હતી. દિલ્હીએ આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પોતાનો ૨૧૦ રનનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ પહેલાં તેમણે ગુજરાત લાયન્સ સામે ૨૦૧૭માં ૨૦૯ રનનો મોટો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
લખનઉ તરફથી વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન (૩૦ બૉલમાં ૭૫ રન) અને ઓપનર મિચલ માર્શ (૩૬ બૉલમાં ૭૨ રન)એ બીજી વિકેટ માટે ૪૨ બૉલમાં ૮૭ રનની પાર્ટનરશિપ કરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો, પણ દિલ્હીના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (૪૨ રનમાં ત્રણ વિકેટ) અને સ્પિનર કુલદીપ યાદવ (૨૦ રનમાં બે વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે ૧૩.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૬૧ રન બનાવનાર લખનઉએ છેલ્લી ૬.૨ ઓવરમાં ૪૮ રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી હતી.
ડેવિડ મિલરે ૧૯ બૉલમાં ૨૭ રનની અણનમ ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૨૦૦ પ્લસ કરવામાં મદદ કરી હતી. ટુર્નામેન્ટના સૌથી મોંઘા ૨૭ કરોડ રૂપિયાના પ્લેયર અને લખનઉના કૅપ્ટન રિષભ પંતે (૬ બૉલમાં શૂન્ય રન) પોતાની નવી ફ્રૅન્ચાઇઝી માટેની ડેબ્યુ મૅચમાં જૂની ફ્રૅન્ચાઇઝી દિલ્હીના સાથી સ્પિનર કુલદીપ યાદવની ઓવરમાં કૅચઆઉટ થઈને ફૅન્સને નિરાશ કર્યા હતા.
૨૧૦ રનના ટાર્ગેટના જવાબમાં દિલ્હીએ ૧.૪ ઓવરમાં ૭ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કૅપ્ટન અક્ષર પટેલ (૧૧ બૉલમાં બાવીસ રન) અને વાઇસ-કૅપ્ટન ફાફ ડુ પ્લેસીએ (૧૮ બૉલમાં ૨૯ રન) ચોથી વિકેટ માટે ૪૩ રનની પાર્ટનરશિપ કરી સ્કોર ૫૦ રન સુધી પહોંચાડ્યો હતો. ત્યાર બાદ ઇમ્પૅક્ટ પ્લેયર આશુતોષ શર્માએ છઠ્ઠી વિકેટ માટે ટ્રિસ્ટન સ્ટબ્સ (બાવીસ બૉલમાં ૩૪ રન) સાથે ૪૮ રન અને વિપ્રાજ નિગમ (૧૫ બૉલમાં ૩૯ રન) સાથે સાતમી વિકેટ માટે પંચાવન રનની પાર્ટનરશિપ કરી મૅચને રોમાંચક બનાવી દીધી હતી. લખનઉ માટે ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર અને સ્પિનર રવિ બિશ્નોઈ સહિત ચાર બોલરે બે-બે વિકેટ લીધી હતી.
પગના અંગૂઠામાં ઇન્જરી અને ઇન્ફેક્શનના કારણે મયંક યાદવની વાપસીમાં થશે વિલંબ
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના ગઈ સીઝનના સ્પીડ-માસ્ટર મયંક યાદવની વાપસીમાં હજી વિલંબ થશે. ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા રાખનાર બાવીસ વર્ષનો આ બોલર જ્યારે પીઠની ઇન્જરીમાંથી ફિટ થઈ રહ્યો હતો ત્યારે પલંગ સાથે અથડાતાં તેના પગના અંગૂઠામાં ઇન્જરી અને ઇન્ફેક્શન થયું હોવાથી તેની વાપસીમાં હજી એક-બે અઠવાડિયાંનો વિલંબ થશે. હેડ કોચ જસ્ટિન લૅન્ગરે ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં તેના સંપૂર્ણ ફિટ થવાની આશા વ્યક્ત કરી છે.
600
આટલા સિક્સર T20 ફૉર્મેટમાં મારનાર ચોથો ક્રિકેટર બન્યો નિકોલસ પૂરન. તેણે ૬૦૬ સિક્સર ફટકારી છે.