IPLના ટૉપ ટેન અનકૅપ્ડ ખેલાડી ટીમ ઇન્ડિયાના દ્વારે દસ્તક દઈ રહ્યા છે

30 May, 2024 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાલો જાણીએ કે ટુર્નામેન્ટની ૧૭મી સીઝનમાં એવા કયા સ્ટાર્સ ચમક્યા જે T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરી શકે છે

મયંક અગ્રવાલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) છેલ્લી ૧૭ સીઝનથી નવા ટૅલન્ટનો પરિચય દુનિયા સાથે કરાવી રહી છે. ભારતનાં નાનાં-નાનાં શહેરો અને ગામમાંથી ટૅલન્ટેડ ખેલાડીઓ IPLમાં ડેબ્યુ કરી રહ્યા છે, જેમાંથી ઘણા ખેલાડીઓને ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવાની પણ તક મળી છે. ચાલો જાણીએ કે ટુર્નામેન્ટની ૧૭મી સીઝનમાં એવા કયા સ્ટાર્સ ચમક્યા જે T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરી શકે છે.

મયંક યાદવ 
૨૦ લાખની બેઝ-પ્રાઇસમાં લખનઉ સુપર જાયન્ટ્સે ૨૧ વર્ષના મયંક યાદવને IPL ડેબ્યુની તક આપી હતી. તેણે ૧૫૦ કિમી/કલાકની ઝડપથી બોલિંગ કરીને સતત ૩ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. ૪ મૅચમાં ૭ વિકેટ લીધા બાદ તે ઈજાને કારણે સીઝનમાંથી બહાર થયો હતો. 

રિયાન પરાગ 
આસામમાં જન્મેલા બાવીસ વર્ષના રિયાન પરાગે મુશ્કેલ સમયમાંથી પસાર થયા બાદ વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ માટે ૫૭૩ રન બનાવીને પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું. મિડલ ઑર્ડરનો આ બૅટ્સમૅન ભારત માટે ડેબ્યુ કરીને નૉર્થઈસ્ટના ભાવિ ક્રિકેટર્સ માટે પ્રેરણારૂપ બની શકે છે.

અભિષેક શર્મા 
સનરાઇઝર્સ હૈદરાબાદનો ઓપનર અભિષેક શર્મા ૨૦૪.૨૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૮૪ રન ફટકારીને આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ૨૩ વર્ષનો આ લેફ્ટ આર્મ સ્પિનર ઑલરાઉન્ડર તરીકે સારી ભૂમિકા ભજવી શકે છે. 

હર્ષિત રાણા
ફ્લાઇંગ કિસ સેલિબ્રેશનને કારણે જાણીતા થયેલા હર્ષિત રાણાએ આ સીઝનમાં ૧૧  ઇનિંગ્સમાં ૧૯ વિકેટ ઝડપી હતી. IPL ફાઇનલમાં પણ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ધમાકેદાર પ્રદર્શન કરીને તેણે ઇન્ટરનૅશનલ ડેબ્યુ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. 

નીતિશ રેડ્ડી 
હૈદરાબાદના નીતિશ કુમાર રેડ્ડીએ આ સીઝનમાં ૧૪૦ના સ્ટ્રાઇક-રેટથી ૩૦૩ રન ફટકાર્યા હતા. ઇમર્જિંગ પ્લેયરનો અવૉર્ડ જીતનાર આ ૨૧ વર્ષનો ક્રિકેટર તેની ફીલ્ડિંગ અને ઑલરાઉન્ડર સ્કિલને કારણે ટૂંક સમયમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે. 

શશાંક સિંહ 
ઑક્શનમાં ભૂલથી ખરીદવામાં આવેલા શશાંક સિંહે પંજાબ કિંગ્સ માટે ૧૬૪.૬૫ના સ્ટ્રાઇક-રેટથી ૩૫૪ રન ફટકારીને પોતાની જાતને સાબિત કરી હતી. તેણે અશક્ય લાગતી મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી. 

પ્રભસિમરન સિંહ 
પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહે સીઝનમાં ૧૫૬.૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩૩૪ રન બનાવ્યા હતા. તેણે ધમાદેકાર ફિફ્ટી ફટકારીને દમદાર ઓપનર તરીકેની દાવેદારી નોંધાવી હતી. 

અભિષેક પોરેલ 
દિલ્હી કૅપિટલ્સના અભિષેક પોરેલે ૧૨ ઇનિંગ્સમાં ૩૨૭ રન ફટકારી દીધા હતા. ૨૧ વર્ષનો આ શાનદાર વિકેટકીપર-બૅટર ભવિષ્યમાં રિષભ પંતને રિપ્લેસ કરી શકે છે. 

આકાશ સિંહ 
પાવરપ્લેની ઓવર્સમાં શાનદાર પ્રદર્શન કરીને ચેન્નઈ સુપર કિંગ્સના બોલર આકાશ સિંહે ડેબ્યુ સીઝનમાં ૬ મૅચમાં પાંચ વિકેટ ઝડપી છે. તે ફર્સ્ટ ક્લાસની ૮ મૅચમાં ૧૮ અને લિસ્ટ Aની ૧૦ મૅચમાં ૧૪ વિકેટ લઈ ચૂક્યો છે. 

સાઈ સુદર્શન 
ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શને આ સીઝનમાં ૧ સેન્ચુરીની મદદથી ૫૨૭ રન ફટકાર્યા છે. તે બૅટિંગ સ્ટાઇલને કારણે ભવિષ્યમાં ભારતીય ટીમ માટે વૅલ્યુએબલ ઓપનિંગ બૅટર બની શકે છે. 

indian premier league IPL 2024 chennai super kings mumbai indians royal challengers bangalore punjab kings gujarat titans lucknow super giants rajasthan royals delhi capitals kolkata knight riders sunrisers hyderabad cricket news sports sports news