IPLમાં ૧૫૦૦ પ્લસ રન અને ૧૫૦ પ્લસ વિકેટની સિદ્ધિ મેળવનારો ત્રીજો ઑલરાઉન્ડર બન્યો સુનીલ નારાયણ

07 May, 2024 06:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીઝનમાં છઠ્ઠી વાર ૨૦૦ પ્લસનો સ્કોર કરનાર કોલકાતા નાઇટ રાઇડર્સ પૉઇન્ટ્સ-ટેબલ પર નંબર વન

મૅચ બાદ અવૉર્ડ્‍સ સાથે કલકત્તાના ઓપનર્સ ફિલ સૉલ્ટ અને સુનીલ નારાયણ.

લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૫૪મી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે લખનઉ સુપર જાયન્ટ્સને ૯૮ રનથી હરાવીને જીતની હૅટ-ટ્રિક કરી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં કલકત્તાએ ૬ વિકેટ ગુમાવીને ૨૩૫ રન કર્યા હતા. રન ચેઝ કરવા ઊતરેલું લખનઉ ૧૩૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. સીઝનની ૮મી મૅચ જીતીને કલકત્તાએ રાજસ્થાનને પછાડીને ૧૬ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલ પર નંબર વનનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે લખનઉ સીઝનની પાંચમી હારને લીધે ૧૨ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે રહ્યું છે. 

દિલ્હી કૅપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ બાદ લખનઉ સુપર જાયન્ટ્સને હરાવનાર કોલકાતા નાઇટ રાઇડર્સે વર્તમાન સીઝનમાં છઠ્ઠી વાર ૨૦૦ પ્લસ રનનો સ્કોર કરીને મુંબઈના ૨૦૨૩ના રેકૉર્ડની બરાબરી કરી હતી. કલકત્તા જો ૧૭મી સીઝનમાં વધુ એક વાર ૨૦૦ પ્લસનો સ્કોર કરશે તો એ એક સીઝનમાં સૌથી વધુ ૨૦૦ પ્લસ રન ખડકનાર ટીમ બનશે. ૨૩૫ રનનો સ્કોર કરીને કલકત્તા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એકાના સ્ટેડિયમમાં સૌથી મોટો ઓવરઑલ T20 સ્કોર કરનાર ટીમ બની છે. આ પહેલાં લખનઉ અને રાજસ્થાને આ મેદાન પર ૧૯૯ રનનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો. 

૩૫ વર્ષનો વેસ્ટ ઇન્ડીઝનો સુનીલ નારાયણ આ મૅચમાં ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. કલકત્તાના આ ઓપનરે ૬ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૮૧ રન કર્યા હતા અને ૨૨ રન આપીને ૧ વિકેટ પણ લીધી હતી. આ સાથે જ તે IPL ઇતિહાસમાં ૧૫૦૦ પ્લસ રન અને ૧૫૦ વિકેટ લેનાર ત્રીજો ઑલરાઉન્ડર બન્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સનો રવીન્દ્ર જાડેજા (૨૮૯૪ રન, ૧૬૦ વિકેટ) અને ડ્વેન બ્રાવો    (૧૫૬૦ રન, ૧૮૩ વિકેટ) આ લિસ્ટમાં અનુક્રમે પહેલા અને બીજા સ્થાને છે. 

૧૧ મૅચમાં ૪૬૧ રન સાથે સુનીલ નારાયણ ઑરેન્જ કૅપની રેસમાં ત્રીજા સ્થાને છે. આ મૅચમાં ૨૫ રન ફટકારનાર કે. એલ. રાહુલ ૪૩૧ રન સાથે ચોથા ક્રમે છે, જ્યારે સુનીલ નારાયણનો ઓપનિંગ જોડીદાર ફિલ સૉલ્ટ ૪૨૯ રન સાથે આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. વિરાટ કોહલી ૫૪૨ રન સાથે હાલમાં ઑરેન્જ કૅપ હોલ્ડર છે, જે ૫૪૧ રન સાથે બીજા ક્રમે રહેનાર ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડથી માત્ર ૧ રન આગળ છે.

sports news sports cricket news IPL 2024 kolkata knight riders sunil narine