રાજસ્થાનના ‘રૉયલ્સ’ સામે થશે હૈદરાબાદનો ‘સનરાઇઝ’?

24 May, 2024 09:57 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમ પાસે ત્રીજી વાર IPLની ફાઇનલમાં પહોંચવાની તક

બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર

આજે ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે ક્વૉલિફાયર-ટૂનો જંગ જામશે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ક્વૉલિફાયર-વનમાં હારીને આવેલી હૈદરાબાદ અને રૉયલ્સ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે એલિમિનેટર મૅચ જીતીને આવેલી રાજસ્થાનની ટીમમાંથી જે ટીમ જીતશે એ ફાઇનલમાં એન્ટ્રી મારશે. બન્ને ટીમ પાસે ત્રીજી IPL ફાઇનલમાં એન્ટ્રી કરવાની તક છે.

રાજસ્થાનની ટીમ ૨૦૦૮માં ચૅમ્પિયન અને ૨૦૨૨ની રનર-અપ ટીમ રહી છે, જ્યારે હૈદરાબાદે ૨૦૧૬માં ટાઇટલ જીત્યું હતું અને ૨૦૧૮માં રનર-અપ રહી હતી. કૅપ્ટન પૅટ કમિન્સની ટીમ હૈદરાબાદ અને કૅપ્ટન સંજુ સૅમસનની ટીમ રાજસ્થાન વચ્ચે ચેપૉક સ્ટેડિયમમાં આ પહેલી ટક્કર છે.

IPL ઇતિહાસનો સૌથી મોટો સ્કોર નોંધાવી ચૂકેલી હૈદરાબાદની ટીમની ઓપનિંગ જોડીનું આજે સફળ થવું જરૂરી છે. ગઈ મૅચમાં અભિષેક શર્મા અને ટ્રૅવિસ હેડની ઓપનિંગ જોડીની નિષ્ફળતાને કારણે આખી ટીમ વિખેરાઈ ગઈ હતી. સનરાઇઝર્સની બોલિંગ યુનિટની જવાબદારી ફરી એક વાર ટી. નટરાજન પર રહેશે, જે આ સીઝનમાં ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે સાથે જ તે પોતાના હોમગ્રાઉન્ડ પર રમતી વખતે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માગશે. ભુવનેશ્વર કુમાર અને પૅટ કમિન્સની અનુભવી જોડીએ પણ આજે પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપવો પડશે.
મે મહિનામાં પાંચ મૅચ બાદ જીત મેળવનારી રાજસ્થાનની ટીમ માટે ઓપનર યશસ્વી જાયસવાલ અને ફિનિશર રિયાન પરાગનું આજનું પ્રદર્શન મહત્ત્વનું રહેશે. છેલ્લી ત્રણ મૅચમાં સાધારણ પ્રદર્શન કરનાર કૅપ્ટન સંજુ સૅમસન પાસે સારા પ્રદર્શનની આશા રહેશે. ૨૦૦૮ બાદ ફરી એક વાર ટાઇટલ જીતવાની આશા જીવંત રાખવા આજે યુઝવેન્દ્ર ચહલ, રવિચન્દ્રન અશ્વિન, આવેશ ખાન સહિતના બોલર્સે ચેપૉકમાં આક્રમક બોલિંગ કરવી પડશે.

રાજસ્થાનનો પ્લેઑફ રેકૉર્ડ
કુલ મૅચ - ૧૦ 
જીત - ૦૫ 
હાર - ૦૫ 

હૈદરાબાદનો પ્લેઑફ રેકૉર્ડ
કુલ મૅચ - ૧૨ 
જીત - ૦૫ 
હાર - ૦૭ 

હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૧૯ 
હૈદરાબાદની જીત - ૧૦ 
રાજસ્થાનની જીત - ૦૯

indian premier league IPL 2024 sunrisers hyderabad rajasthan royals sanju samson pat cummins yashasvi jaiswal Yuzvendra Chahal ravichandran ashwin cricket news sports sports news