નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગરમીને કારણે ૧૪ દર્શકોને ટેમ્પરરી હૉસ્પિટલમાં ઍડ્‍‍મિટ કરવા પડ્યા

01 April, 2024 08:33 AM IST  |  Mumbai | Shailesh Nayak

મૅચ બપોરે રમાવાની હોવાથી તેમ જ ગરમી અને હીટવેવની આગાહીને પગલે ગુજરાત ક્રિકેટ અસોસિએશને આગોતરું આયોજન કરીને સ્ટેડિયમમાં જ ચાર બેડની કામચલાઉ હૉસ્પિટલ ઊભી કરી હતી જે કામ આવી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઊભી કરાયેલી કામચલાઉ હૉસ્પિટલમાં દરદીની સારવાર કરી રહેલા ડૉક્ટર.

ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPLની મૅચ જોવા આવેલા ૮૯ દર્શકો ગરમીને કારણે ડીહાઇડ્રેશન તેમ જ સફોકેશનને કારણે અનકૉન્શિયસ થયા, વૉમિટિંગ અને ચક્કર આવતાં તબિયત બગડી હતી. કેટલાક દર્શકોને સ્ટેડિયમમાં ઊભી કરાયેલી કામચલાઉ હૉસ્પિટલમાં ઍડ્‍‍મિટ કરાયા હતા તો કેટલાક દર્શકો તેમ જ પોલીસ-કર્મચારીઓને સ્ટેડિયમમાં તહેનાત કરાયેલી ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી. 

મૅચ બપોરે રમાવાની હોવાથી તેમ જ ગરમી અને હીટવેવની આગાહીને પગલે ગુજરાત ક્રિકેટ અસોસિએશને આગોતરું આયોજન કરીને સ્ટેડિયમમાં જ ચાર બેડની કામચલાઉ હૉસ્પિટલ ઊભી કરી હતી જે કામ આવી હતી. સ્ટેડિયમમાં ઊભી કરાયેલી આ હૉ​સ્પિટલનું સંચાલન કરતાં એચસીજી હૉ​સ્પિટલનાં ડૉ. સાત્વિક ભટ્ટ અને ડૉ. કેશા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગરમીને કારણે ડીહાઇડ્રેશન અને ચક્કર આવતાં ૧૪ પેશન્ટોને હૉ​સ્પિટલમાં સારવાર માટે ઍડ્‍‍મિટ કર્યા હતા. મોટા ભાગના કેસમાં માથાનો દુખાવો તેમ જ તડકાને કારણે ડીહાઇડ્રેશન તેમ જ ચક્કર આવવાની ફરિયાદ દરદીઓએ કરી હતી. આ દરદીઓને જરૂરિયાત મુજબ હૉ​સ્પિટલમાં ઍડ્‍‍મિટ કરાયા હતા અને સારવાર આપી હતી. તેમની ક​ન્ડિશન સારી જણાતાં હૉ​સ્પિટલમાંથી રજા અપાઈ હતી.’
૧૦૮ ઍમ્બ્યુલન્સના અમદાવાદ જિલ્લાના પ્રોગ્રામ મૅનેજર જિતેન્દ્ર સાહીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૅચ દરમ્યાન સફોકેશનને કારણે અનકૉન્શિયસ થવાથી તેમ જ વૉમિટિંગ અને ચક્કર આવતાં ૭૫ દર્શકોને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર આપી હતી. સ્ટેડિયમમાં અમે ૬ ઍમ્બ્યુલન્સ તહેનાત કરી હતી. દર્શકો ઉપરાંત પોલીસ-કર્મચારીઓને સારવાર અપાઈ હતી.’

sports news sports cricket news IPL 2024 narendra modi stadium