30 March, 2024 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિયાન પરાગ
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની નવમી મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)એ દિલ્હી કૅપિટલ્સ (DC)ને ૧૨ રનથી હરાવ્યું હતું. આ સાથે જ સતત નવમી મૅચમાં હોમ ટીમે જીત મેળવી હતી. પ્રથમ બૅટિંગ કરતાં RRએ પાંચ વિકેટ ગુમાવીને ૧૮૫ રન બનાવ્યા હતા, જેની સામે DCની ટીમ એટલી જ વિકેટના નુકસાન સાથે ૧૭૩ રન બનાવી શકી હતી.
કૅપ્ટન સંજુ સૅમસને રિયાન પરાગને ચોથા ક્રમે બૅટિંગ માટે મોકલ્યો હતો. નવી ભૂમિકામાં આવતાંની સાથે જ રિયાન પરાગ IPL કરીઅરની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમ્યો હતો. ૬ સિક્સર અને ૭ ચોગ્ગાની મદદથી ૮૪ રન ફટકારી તેણે સૌને ચોંકાવી દીધા હતા. એન્રિક નોર્ખિયાની અંતિમ ઓવરમાં ૩ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી તેણે ૨૫ રન ફટકારી ધમાલ મચાવી હતી. ૨૦૨૨માં બૅન્ગલોર સામે ફટકારેલી ફિફ્ટીના ૭૦૧ દિવસ બાદ રિયાન પરાગે IPLમાં ફિફ્ટી ફટકારી હતી. IPL કરીઅરની તેની આ ત્રીજી ફિફ્ટી છે.
બાવીસ વર્ષ ૧૩૯ દિવસની ઉંમરે ૧૦૦મી T20 મૅચ રમનાર તે સૌથી યુવા ભારતીય બન્યો છે. આ પહેલા સંજુ સૅમસન બાવીસ વર્ષ ૧૫૭ દિવસની ઉંમરે ૧૦૦મી T20 મૅચ રમનાર સૌથી યુવા ભારતીય હતો. છેલ્લાં ૩-૪ વર્ષથી સંઘર્ષ કરી રહેલો રિયાન પરાગ છેલ્લા ૩ દિવસથી બીમાર હોવાથી બેડ પર હતો. પેઇનકિલર લઈને તેણે પોતાની જાતને સ્વસ્થ કરી હતી. DC સામે તોફાની ઇનિંગ્સ રમીને તે મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ પણ જીત્યો હતો.