ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલરની ઘરવાપસી : પ્લેઑફની રેસમાં રાજસ્થાન રૉયલ્સને મોટો ફટકો

14 May, 2024 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્લેઑફ પહેલાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ સાથ છોડતાં ફ્રૅન્ચાઇઝીઓમાં ટીમના પ્રદર્શન પર થનારી અસર વિશે ચિંતા વધશે. 

જોસ બટલર

૧૬ પૉઇન્ટ્સ સાથે પૉઇન્ટ્સ-ટેબલ પર બીજા ક્રમની રાજસ્થાન રૉયલ્સને પ્લેઑફની રેસમાં મોટો ફટકો પડ્યો છે. બાવીસમી મેથી પાકિસ્તાન સામે શરૂ થનારી ૪ મૅચની T20 સિરીઝ અને T20 વર્લ્ડ કપની તૈયારી માટે ઇંગ્લૅન્ડના કેપ્ટન જોસ બટલરે IPLમાં રાજસ્થાનની ટીમનો સાથ છોડી દીધો છે. ૩૪ વર્ષના જોસ બટલરે વર્તમાન સીઝનમાં ૧૧ મૅચમાં બે સેન્ચુરીની મદદથી ૩૫૯ રન કર્યા હતા. ૧૫ મેએ પંજાબ કિંગ્સ અને ૧૯ મેએ કોલકાતા નાઇટ રાઇડર્સની મૅચ પહેલાં કૅપ્ટન સંજુ સૅમસન સામે ઓપનર યશસ્વી જાયસવાલ માટે નવો જોડીદાર શોધવાનો પડકાર રહેશે. પ્લેઑફની રેસમાં ટીમનો સાથ છોડી જતા જોસ બટલરે ટીમના સભ્યોને કહ્યું હતું કે નેક્સ્ટ ટાઇમ IPL ટ્રોફી સાથે મળીશું. 

બીજા કયા ઇંગ્લિશ ક્રિકેટરો પાછા ગયા?

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના બૅટર વિલ જૅક્સ અને બોલર રીસ ટોપલી ઇંગ્લૅન્ડ જતા રહ્યા છે. આ અઠવાડિયાના અંત સુધી પંજાબ કિંગ્સના જૉની બેરસ્ટૉ અને સૅમ કરૅન, ચેન્નઈ સુપર કિંગ્સના મોઇન અલી અને કોલકાતા નાઇટ રાઇડર્સનો ફિલ સૉલ્ટ પણ ઘરવાપસી કરશે. પ્લેઑફ પહેલાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ સાથ છોડતાં ફ્રૅન્ચાઇઝીઓમાં ટીમના પ્રદર્શન પર થનારી અસર વિશે ચિંતા વધશે. 

sports news sports cricket news IPL 2024 jos buttler england rajasthan royals