પંજાબ કિંગ્સનો લિયામ લિવિંગસ્ટન ઘૂંટણની ઈજાને કારણે સ્વદેશ રવાના

14 May, 2024 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન સામેની ૪ મૅચની T20 સિરીઝ પછી ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડીઝ જવા રવાના થશે

લિયામ લિવિંગસ્ટન

પંજાબ કિંગ્સનો ઑલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન આવતા મહિને યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલાં ઘૂંટણની ઈજામાંથી સાજો થવા ગઈ કાલે ઇંગ્લૅન્ડ ચાલ્યો ગયો હતો. ૧૨ મૅચમાં માત્ર ૪ જીત સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની પ્લેઑફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગયેલા પંજાબ કિંગ્સ માટે તે ૭ મૅચમાં માત્ર ૧૧૧ રન કરી શક્યો હતો અને ૩ વિકેટ લઈ શક્યો હતો. રાજસ્થાન રૉયલ્સ (૧૫ મે) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (૧૯ મે) સામેની છેલ્લી બે મૅચ માટે પંજાબ કિંગ્સે લિયામ લિવિંગસ્ટનનો વિકલ્પ શોધવો પડશે. લિવિંગસ્ટનની ઈજા ગંભીર નથી, પરંતુ મળતા અહેવાલ અનુસાર ઇંગ્લૅન્ડના ટીમ-મૅનેજમેન્ટે પાકિસ્તાન સામે બાવીસમી મેથી શરૂ થનારી ઘરેલુ T20 સિરીઝ પહેલાં તેને સારવાર માટે વધુ સમય આપવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન સામેની ૪ મૅચની T20 સિરીઝ પછી ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડીઝ જવા રવાના થશે અને ત્યાં તેઓ ૪ જૂને સ્કૉટલૅન્ડ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.

sports news sports cricket news IPL 2024 punjab kings