22 May, 2024 07:27 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
એલિમિનેટર મૅચ માટે અમદાવાદ પહોંચેલી બૅન્ગલોર અને રાજસ્થાનની ટીમ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની એલિમિનેટર મૅચ આજે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. લીગ સ્ટેજની અંતિમ મૅચ વરસાદને કારણે રદ થઈ એ પહેલાં સંજુ સૅમસનની ટીમ સતત ૪ મૅચ હારી ચૂકી હતી, જ્યારે ફાફ ડુ પ્લેસીની ટીમ ચેન્નઈને હરાવીને રોમાંચક અંદાજમાં પ્લેઑફમાં પહોંચી ગઈ હતી.
આજની મૅચ જીતનાર ટીમ ૨૪ મેએ ચેન્નઈમાં ક્વૉલિફાયર-વનમાં હારનારી ટીમ સામે ક્વૉલિફાયર-ટૂ રમશે. જ્યારે આજની મૅચમાં હારનાર ટીમ ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ જશે. રસપ્રદ વાત તો એ છે કે રાજસ્થાન મે ૨૦૨૪માં અત્યાર સુધી એક પણ મૅચ જીતી શક્યું નથી, જ્યારે બૅન્ગલોર ચારેચાર મૅચ જીત્યું છે. હેડ ટુ હેડ રેકૉર્ડ અને પ્લેઑફના રેકૉર્ડને જોતાં આજે કિંગ કોહલીની ટીમ એલિમિનેટર મૅચ જીતવા માટે હૉટ ફેવરિટ ટીમ છે. જોકે વર્તમાન સીઝનની એકમાત્ર ટક્કરમાં રાજસ્થાને બૅન્ગલોરને ૬ વિકેટે હરાવ્યું હતું.
૨૦૦૮માં IPLની પ્રથમ સીઝનની ચૅમ્પિયન રાજસ્થાન થોડાં અઠવાડિયાં પહેલાં ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ જોસ બટલરની ઇંગ્લૅન્ડ-વાપસીથી તેમની બૅટિંગની નબળાઈઓ સામે આવી ગઈ છે. હવે યશસ્વી જાયસવાલ (૩૪૮ રન), સંજુ સૅમસન (૫૦૪ રન) અને રિયાન પરાગ (૫૩૧ રન) પર મોટો સ્કોર બનાવવાની જવાબદારી રહેશે. યુઝવેન્દ્ર ચહલ (૧૭ વિકેટ), આવેશ ખાન (૧૩ વિકેટ) અને ટ્રેન્ટ બોલ્ટ (૧૨ વિકેટ) પર આજે બૅન્ગલોરના બૅટિંગ-યુનિટને ધરાશાયી કરવાની જવાબદારી હશે.
બીજી તરફ બૅન્ગલોર માટે ૨૫૦થી વધુ મૅચ રમનાર વિરાટ કોહલીએ આ સીઝનમાં ૧૪ મૅચમાં ૭૦૮ રન બનાવ્યા છે. આ ઑરેન્જ કૅપ હોલ્ડર બૅટર આજની મૅચમાં બૅન્ગલોર માટે ટ્રમ્પકાર્ડ સાબિત થઈ શકે છે. કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (૪૨૧ રન) પણ ફૉર્મમાં છે, જ્યારે રજત પાટીદારે (૩૬૧ રન) પણ પાંચ અર્ધ-સદી ફટકારી છે. દિનેશ કાર્તિક નીચલા ક્રમમાં ૧૯૫ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવી રહ્યો છે. છેલ્લી મૅચના હીરો યશ દયાલ સહિતના બોલર્સ આજે બૅન્ગલોર માટે એક્સ્ટ્રા-ઑર્ડિનરી પર્ફોર્મન્સ કરશે તો બૅન્ગલોરની જીત પાક્કી છે. ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ અને કેમરન ગ્રીનના પ્રદર્શન પર આજે સૌની નજર રહેશે.
બૅન્ગલોરનો પ્લેઑફ રેકૉર્ડ
કુલ મૅચ - ૧૫
જીત - ૦૬
હાર - ૦૯
રાજસ્થાનનો પ્લેઑફ રેકૉર્ડ
કુલ મૅચ - ૦૯
જીત - ૦૪
હાર - ૦૫
હેડ ટુ હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૩૧
બૅન્ગલોરની જીત - ૧૫
રાજસ્થાનની જીત - ૧૩
નો રિઝલ્ટ - ૦૩