ન્યૂઝ શોર્ટમાં : IPL 2024નો અત્યાર સુધીનો બેસ્ટ કૅચ અને વધુ સમાચાર

01 April, 2024 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં કિંગ કોહલીની ટીમને સપોર્ટ કરવા આવશે ‘સ્પેશ્યલ ગેસ્ટ’ ,કમબૅક પછીની પંતની પહેલી હાફ સેન્ચુરી

મથીશા પથીરાણા

ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની ગઈ કાલની મૅચમાં ચેન્નઈના ફાસ્ટ બોલર મથીશા પથીરાણાએ IPL 2024નો અત્યાર સુધીનો બેસ્ટ કૅચ પકડ્યો હતો. મુસ્તફિઝુર રહમાનની બોલિંગમાં ડેવિડ વૉર્નરનો આ ફ્લાઇંગ કૅચ પથીરાણાએ થર્ડમૅન પર એક હાથે પકડ્યો હતો. વૉર્નર પાંત્રીસ બૉલમાં પાંચ ફોર અને ૩ સિક્સની મદદથી બાવન રન બનાવીને આઉટ થયો હતો.

કમબૅક પછીની પંતની પહેલી હાફ સેન્ચુરી
રિષભ પંતે પુનરાગમન પછીની ત્રીજી મૅચમાં ગઈ કાલે પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી. દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટને ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં ૩૧ બૉલમાં અડધી સદી પૂરી કરી હતી. તે બત્રીસ બૉલમાં ૫૧ રનના સ્કોર પર આઉટ થયો હતો, જેમાં તેણે ૪ ફોર અને ૩ સિક્સર ફટકારી હતી. દિલ્હીએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૧ રન કરીને ચેન્નઈને ૧૯૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૨૦૨૨ની ૩૦ ડિસેમ્બરે કાર-અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા પછી પંત ૧૪ મહિનાની રિકવરી-પ્રોસેસમાંથી પસાર થયો હતો.

બૅન્ગલોરમાં કિંગ કોહલીની ટીમને સપોર્ટ કરવા આવશે ‘સ્પેશ્યલ ગેસ્ટ’
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ ક્રિકેટ ફૅન્સના મનોરંજન માટે એક નવી પહેલ શરૂ કરી છે. દર્શકોને નવો અનુભવ આપવા માટે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ‘ડૉગ આઉટ ઝોન’ બનાવવામાં આવ્યો છે. ‘ડૉગ આઉટ ઝોન’ એ સ્ટેડિયમની અંદર એક એવી જગ્યા હશે જ્યાં લોકો તેમનાં પાળેલાં પ્રાણીઓ સાથે મસ્તી કરતાં મૅચનો આનંદ માણી શકશે. આ પહેલ ૨૦૧૯માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ એ સમયે ‘ડૉગ આઉટ ઝોન’નો ઉપયોગ ફક્ત એક મૅચ માટે કરવામાં આવ્યો હતો. હવે RCBના હોમ ગ્રાઉન્ડ પર આ ‘ડૉગ આઉટ ઝોન’ દરેક મૅચમાં જોવા મળશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કિંગ કોહલીની ટીમને સપોર્ટ કરવા હવે દરેક મૅચમાં સ્પેશ્યલ ગેસ્ટ આવશે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમાં શ્વાન સાથે થયેલા થોડા ખરાબ વર્તન બાદ હવે RCBની આ પહેલની ક્રિકેટ-ફૅન્સ અને ઍનિમલ ઍક્ટિવિસ્ટો પ્રશંસા કરી રહ્યા છે. 




sports news sports cricket news IPL 2024 royal challengers bangalore Rishabh Pant chennai super kings