આજે ગુજરાત પ્રતિષ્ઠા બચાવવા અને હૈદરાબાદ પ્લેઑફમાં પહોંચવા માટે રમશે

16 May, 2024 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત સામે ૨૦૨૨ બાદ એક પણ મૅચ જીતી નથી શક્યું હૈદરાબાદ

સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૬૬મી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ જામશે. વરસાદને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચ રદ થયા બાદ ગુજરાત (૧૩ પૉઇન્ટ)ની ટીમ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ હતી. હૈદરાબાદ (૧૪ પૉઇન્ટ) પ્લેઑફની રેસમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે, પણ ગુજરાતની ટીમ સામે ૨૦૨૨ બાદ એક પણ મૅચ હૈદરાબાદ જીતી શક્યું નથી. ૩૧ માર્ચે આ સીઝનની પ્રથમ ટક્કરમાં ગુજરાતે ૭ વિકેટથી જીત મેળવી હતી. 

સીઝનમાં પાંચ વખત ૨૦૦ પ્લસનો સ્કોર કરનાર હૈદરાબાદની ટીમ છેલ્લી પાંચમાંથી માત્ર બે  મૅચ જીતી શકી છે. પ્લેઑફમાં પહોંચવા માટે માત્ર એક જીત દૂર હૈદરાબાદની અંતિમ મૅચ ૧૯  મેએ પંજાબ કિંગ્સ સામે રમાશે. કૅપ્ટન પૅટ કમિન્સની ટીમ ટૉપ-ટૂમાં સ્થાન મેળવવા પર નજર રાખી રહી છે, જ્યારે કૅપ્ટન શુભમન ગિલની ટીમ પોતાની અંતિમ લીગ મૅચમાં માત્ર પ્રતિષ્ઠા માટે જ રમશે.
૮ મેએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૧૦ વિકેટથી શાનદાર જીત મેળવ્યા બાદ એક અઠવાડિયાના બ્રેકને કારણે હૈદરાબાદની ટીમ તાજગી સાથે મેદાનમાં પરત ફરશે. ટ્રૅવિસ હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીને કારણે હૈદરાબાદે ૨૦૧૬ બાદ ફરી એક વાર IPL ટાઇટલ જીતવાની આશા જીવંત કરી છે. 

બીજી તરફ ૧૩માંથી માત્ર પાંચ મૅચ જીતનાર ગુજરાતના ૧૧ પૉઇન્ટ છે અને એ જીત સાથે વિદાય લેવા ઇચ્છશે. ભૂતપૂર્વ કૅપ્ટન હાર્દિક પંડ્યા આ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યા બાદ ગુજરાતની ટીમમાં કોઈ સંતુલન નહોતું. હાર્દિકે ૨૦૨૨નું ટાઇટલ જિતાડવામાં અને ગયા વર્ષે ફાઇનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમીને ઈજાના કારણે આખી સીઝનમાંથી બહાર રહેવાનું પરિણામ પણ એણે ભોગવવું પડ્યું હતું. બૅટિંગમાં સારી શરૂઆત કરાવવાની જવાબદારી ફરી એક વાર શુભમન ગિલ અને સાઈ સુદર્શન પર રહેશે. ડેવિડ મિલર આ સીઝનમાં ફૉર્મમાં નથી, પરંતુ તે છેલ્લી મૅચમાં ઉપયોગી ઇનિંગ્સ રમવા માગશે.

sports news sports cricket news IPL 2024 sunrisers hyderabad gujarat titans