શું આજે પ્લેઑફમાં પહોંચી શકશે સંજુ સૅમસનની ટીમ?

15 May, 2024 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિયાન પરાગના હોમગ્રાઉન્ડ ગુવાહાટીમાં રાજસ્થાન રૉયલ્સ રમશે બે અંતિમ લીગ મૅચ

ગુવાહાટી ઍરપોર્ટ પર ફૅન્સ દ્વારા રિયાન પરાગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજની મૅચ: રાજસ્થાન રૉયલ્સ v/s પંજાબ કિંગ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, ગુવાહાટી
આવતી કાલની મૅચ : સનરાઇઝર્સ હૈદરાબાદ v/s ગુજરાત ટાઇટન્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, હૈદરાબાદ

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૬૫મી મૅચ રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમશે. આ મૅચ રાજસ્થાન ફ્રૅન્ચાઇઝીના બીજા હોમગ્રાઉન્ડ ગુવાહાટીના બારસાપરા સ્ટેડિયમમાં રમાશે. સીઝનની પ્રથમ ટક્કરમાં રાજસ્થાને પંજાબને ૩ વિકેટથી તેમના જ હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. 

૧૬ પૉઇન્ટ હોવા છતાં સતત ત્રણ મૅચ હારવાને કારણે રાજસ્થાનની ટીમ પ્લેઑફ માટે ક્વૉલિફાય થઈ શકી નથી. આજે પ્લેઑફની રેસમાંથી પહેલાંથી બહાર થયેલી પંજાબની ટીમ સામે સંજુ સૅમસનની ટીમ ક્વૉલિફાય થનારી બીજી ટીમ બનવાનો પ્રયાસ કરશે. ૧૯ મેએ રાજસ્થાન પોતાની અંતિમ લીગ મૅચ સૌપ્રથમ ક્વૉલિફાય થનારી ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે. 
ગુવાહાટી છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજસ્થાન માટે બીજું હોમગ્રાઉન્ડ રહ્યું છે. ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોમાંથી સૌથી પ્રભાવશાળી ક્રિકેટ-પ્રતિભાઓમાંના એક રિયાન પરાગનું આ હોમગ્રાઉન્ડ છે. ખરાબ પ્રદર્શનને કારણે IPL પહેલાં ટીકાનો સામનો કરનાર રિયાન પરાગે વર્તમાન સીઝનમાં ઓપનિંગ બૅટ્સમૅન ન હોવા છતાં ૧૫૩ના સ્ટ્રાઇક-રેટથી ૪૮૩ રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. 

ઈજાઓના કારણે હાફ સીઝન ન રમી શકનાર શિખર ધવનની ગેરહાજરીમાં સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન સૅમ કરૅન અસરકારક પ્રદર્શન નથી કરી શક્યો. પૉઇન્ટ્સ-ટેબલમાં ૮ પૉઇન્ટ સાથે ૧૦મા ક્રમે રહેલી પંજાબની ટીમ પોતાની અંતિમ લીગ મૅચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. ૧૨માંથી માત્ર ૪ મૅચ જીતનાર પંજાબ પોતાની અંતિમ બે મૅચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને જીત સાથે સીઝન પૂરી કરવાનો ટાર્ગેટ રાખશે. 

sports news sports cricket news IPL 2024 rajasthan royals punjab kings