દિલ્હીને હરાવીને પ્લેઑફની આશા જીવંત રાખવાની લખનઉ પાસે સુવર્ણ તક

14 May, 2024 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજીવ ગોયન્કાએ જાહેરમાં આપેલા ઠપકા બાદ કમબૅક કરી શકશે કે. એલ. રાહુલ?

કે. એલ. રાહુલ , સંજીવ ગોયન્કા

આજની મૅચ: દિલ્હી કૅપિટલ્સ v/s લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, દિલ્હી
આવતી કાલની મૅચ : રાજસ્થાન રૉયલ્સ v/s પંજાબ કિંગ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, ગુવાહાટી

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૬૪મી મૅચ દિલ્હી કૅપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. બન્ને ટીમ વચ્ચે રમાયેલી સીઝનની પ્રથમ મૅચમાં રિષભ પંતની ટીમે ૬ વિકેટે જીત મેળવી હતી. ૧૨ પૉઇન્ટ્સ ધરાવતી બન્ને ટીમ આજે પોતાની પ્લેઑફની આશાં જીવંત રાખવા ઊતરશે. દિલ્હીની આ અંતિમ લીગ મૅચ છે, જ્યારે લખનઉ હજી ૧૭ મેએ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. બન્ને ટીમને હરાવીને ૧૬ પૉઇન્ટ્સ સાથે કૅપ્ટન કે. એલ. રાહુલ પ્લેઑફ માટે પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી શકશે. 

૮ મેએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૧૦ વિકેટની હાર બાદ ટીમના માલિક સંજીવ ગોયન્કાએ જાહેરમાં ઠપકો આપ્યા બાદ લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન તરીકે રાહુલના ભાવિ વિશે એવી અટકળો ચાલી રહી છે કે તે ટીમ છોડતાં પહેલાં છેલ્લી બે મૅચમાં કૅપ્ટન્સી છોડી શકે છે, પણ ભારતીય ફૅન્સ ઇચ્છે છે કે આ ભારતીય બૅટ્સમૅન બૅટથી જવાબ આપીને સીઝનનો શાનદાર અંત લાવે.

કે. એલ. રાહુલ અને તેની ટીમને તેમની નબળાઈઓને દૂર કરવા માટે પાંચ દિવસનો સમય મળ્યો છે. આજે તેઓ બૅન્ગલોર સામે હારનો સામનો કરનાર દિલ્હીની ટીમ સામે પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપવા માગશે. ઝડપી બોલર મયંક યાદવ ઈજાને કારણે મેદાન પર નથી આવી શક્યો. યશ ઠાકુર અને નવીન-ઉલ-હક તેની ખાલી જગ્યા ભરવામાં નિષ્ફળ રહ્યા છે. એક મૅચના સસ્પેન્શન બાદ કૅપ્ટન રિષભ પંતની વાપસીથી દિલ્હીની ટીમને મજબૂતી મળશે. ખરાબ ફીલ્ડિંગને કારણે અંતિમ મૅચ હારનાર આ ટીમે પોતાની ફીલ્ડિંગ વધારે મજબૂત બનાવવી પડશે. દિલ્હીએ વર્તમાન સીઝનમાં ૪ વખત ૨૦૦થી વધુ રન બનાવ્યા છે અને ટીમ પ્લેઑફમાં સ્થાન મેળવવાની આશા જાળવી રાખવા માટે આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની આશા રાખશે.

sports news sports cricket news IPL 2024 kl rahul lucknow super giants delhi capitals