સતત ચોથી જીત મેળવવા પંજાબ સામે ઊતરશે વિરાટ ઍન્ડ કંપની

09 May, 2024 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨ બાદ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે જીતી શકી નથી પંજાબ કિંગ્સ

ગઈ કાલે મૅચ પહેલાં ધરમશાલામાં કુદરતના ખોળે આનંદ માણતા કૅમરન ગ્રીન અને વિલ જૅક્સ, ફાફ ડુ પ્લેસી.

આજની મૅચ : પંજાબ કિંગ્સ v/s રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, સાંજે ૭.૩૦ વાગ્યે,  ધરમશાલા
આવતી કાલની મૅચ : ગુજરાત ટાઇટન્સ v/s ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે,  અમદાવાદ

ધરમશાલામાં આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૫૮મી મૅચમાં પંજાબ કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટક્કર થશે. બન્ને ટીમ ૮-૮ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલ પર બૉટમ ૪માં છે. આ મૅચમાં જીત છતાં બન્ને ટીમ બૉટમ ૪માં જ રહેશે, કારણ કે ટૉપ ૬ ટીમ ૧૨ કે એથી વધુ પૉઇન્ટ સાથે પ્લેઑફની ૪ ટીમમાં સામેલ થવાનો પ્રયત્ન કરી રહી છે. પંજાબ અને બૅન્ગલોર જો આજથી ત્રણેય બાકી મૅચ જીતશે તો પ્લેઑફમાં સ્થાન મેળવવાની તેમની પાતળી આશા જીવંત રહેશે.

આત્મવિશ્વાસથી ભરપૂર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ટીમ આજે કુદરતના ખોળે બનાવવામાં આવેલા ધરમશાલાના સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે ત્યારે એની નજર સીઝનની સતત ચોથી જીત નોંધાવવા પર રહેશે. સીઝનની ખૂબ જ ખરાબ શરૂઆત બાદ વિરાટ ઍન્ડ કંપની સતત ત્રણ જીત સાથે ટુર્નામેન્ટમાં પરત ફરી છે અને શાનદાર ફૉર્મમાં છે. ૨૦૨૨ બાદ બૅન્ગલોર સામે રમાયેલી બન્ને મૅચમાં પંજાબને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે કૅપ્ટન સૅમ કરૅનની નજર જીત સાથે ૨૫ માર્ચે બૅન્ગલોર સામે ૪ વિકેટે મળેલી હારનો બદલો લેવાનો પણ પ્રયાસ હશે. ટીમના બોલરો સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવેલો મોહમ્મદ સિરાજ આખરે ફૉર્મમાં આવી ગયો છે. અનુભવી બૅટ્સમૅન વિરાટ કોહલી ટોચ પર સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, જ્યારે કૅપ્ટન ફાફ ડુ પ્લેસી છેલ્લી મૅચમાં સારી ઇનિંગ્સ રમીને ફૉર્મમાં પરત ફર્યો હતો. વિલ જૅક્સે પણ ગુજરાત ટાઇટન્સ સામેની જીતમાં સદી ફટકારીને પ્રભાવિત કર્યા હતા, જ્યારે કૅમરન ગ્રીને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બૉલ અને બૅટ વડે પોતાના યોગદાનથી પોતાની યોગ્યતા સાબિત કરી હતી.


પંજાબના પ્લેયર્સ મચી પડ્યા પ્રૅક્ટિસમાં: ધરમશાલામાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પંજાબ કિંગ્સના લિયામ લિવિંગસ્ટન અને જૉની બેરસ્ટો.

ઈજાગ્રસ્ત શિખર ધવનની ગેરહાજરીમાં પંજાબની વર્તમાન સીઝનની સફર ઉતાર-ચડાવથી ભરેલી રહી છે. ધરમશાલાના મેદાન પર પાંચમી મેએ પંજાબે ૨૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મૅચમાં પંજાબના બોલર્સે પ્રભુત્વ જમાવ્યું હતું, પણ બૅટિંગ યુનિટે નિરાશ કર્યા હતા. પંજાબની ટીમ તેમના મુખ્ય હોમગ્રાઉન્ડ મુલ્લાંપુર ખાતે પાંચમાંથી માત્ર એક મૅચ જીતી હતી. પંજાબની ટીમ એકજૂટ થઈ ધરમશાલાની સીઝનની છેલ્લી IPL મૅચ જીતવાના ટાર્ગેટ સાથે, જ્યારે બૅન્ગલોર સતત ચોથી જીત મેળવવાના ટાર્ગેટ સાથે ઊતરશે.

cricket news IPL 2024 sports news royal challengers bangalore punjab kings virat kohli shikhar dhawan