૨૨ માર્ચથી શરૂ થઈ શકે છે આઇપીએલ ૨૦૨૪

21 February, 2024 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડબ્લ્યુપીએલની ઓપનિંગ સેરેમનીમાં કાર્તિક અને સિદ્ધાર્થ મચાવશે ધમાલ

કાર્તિક આર્યન , સિદ્ધાર્થ મલ્હોત્રા

જૂન ૨૦૨૪માં શરૂ થતા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ભારતમાં બે મોટી ટી૨૦ લીગમાં ધમાકેદાર ઍક્શન જોવા મળશે. આઇપીએલની ૧૭મી અને ડબ્લ્યુપીએલની બીજી સીઝનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થતી વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની પ્રથમ મૅચ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાશે. આ ઓપનિંગ મૅચ પહેલાં બૉલીવુડ સ્ટાર્સ તેમના પર્ફોર્મન્સની ધમાલ મચાવતા જોવા મળશે. ડબ્લ્યુપીએલના સોશ્યલ મીડિયા પેજ પર ઓપનિંગ સેરેમનીને લઈને અપડેટ શૅર કરવામાં આવ્યું છે. ઓપનિંગ સેરેમની સાંજે ૬.૩૦ વાગ્યે શરૂ થશે. બૉલીવુડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાર્તિક આર્યન ઓપનિંગ સેરેમનીનો રોમાંચ વધારશે. 

ડબ્લ્યુપીએલ ૨૦૨૩ની ઓપનિંગ સેરેમનીમાં અભિનેત્રી કૃતિ સૅનન-કિયારા અડવાણી અને સિંગર એપી ઢિલ્લોંએ શાનદાર પર્ફોર્મન્સથી મહેફિલ લૂંટી હતી. ડબ્લ્યુપીએલ ૨૦૨૪ની શરૂઆતની ૧૧ મૅચ બૅન્ગલોરમાં અને બાકીની મૅચ મુંબઈમાં રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ ૧૭ માર્ચે દિલ્હીમાં રમાશે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ડબ્લ્યુપીએલ ૨૦૨૩માં ચૅમ્પિયન બની હતી. 

૨૨ માર્ચથી શરૂ થશે આઇપીએલ ૨૦૨૪?
આઇપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલે એક ઇન્ટરવ્યુમાં (પીટીઆઇ-ભાષા) જણાવ્યું કે આઇપીએલની ૧૭મી સીઝન ૨૨ માર્ચથી શરૂ થશે. લોકસભાની ચૂંટણી છતાં આઇપીએલનું સંપૂર્ણ આયોજન ભારતમાં જ થશે. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં થવાની સંભાવના છે, જેને કારણે આઇપીએલનું શેડ્યુલ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત માર્ચમાં થવાની સંભાવના છે. અરુણ ધૂમલે અપડેટ આપતાં જણાવ્યું કે અમે સરકારી એજન્સી સાથે મળીને કામ કરી રહ્યા છીએ. શરૂઆતમાં માત્ર ૧૫ દિવસના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. બાકીનો કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જાહેર કરવામાં આવશે. 

૨૦૦૯ અને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીને કારણે આઇપીએલની આખી સીઝન સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. ૨૦૧૪માં ચૂંટણીને કારણે લીગની કેટલીક મૅચો  યુએઈમાં રમાઈ હતી. જૂનમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઇપીએલની ફાઇનલ ૨૬ મેએ યોજાઈ શકે છે. ઓપનિંગ મૅચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાય એવી શક્યતા છે.

IPL 2024 womens premier league kartik aaryan sidharth malhotra sports news sports cricket news t20