આઠમી વાર પ્લેઑફ માટે ક્વૉલિફાય કર્યું કલકત્તાએ

13 May, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ નવમી મૅચ હાર્યું, ૨૦૨૨માં સૌથી વધુ ૧૦ હારેલું

સીઝનની છેલ્લી હોમમૅચ બાદ ફૅન્સનો આભાર વ્યક્ત કરતી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૬૦મી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૮ રનથી જીત મેળવી હતી. કલકત્તામાં વરસાદને કારણે ૭.૩૦ વાગ્યે શરૂ થનારી મૅચ ૯.૧૫ વાગ્યે શરૂ થઈ હતી. ૧૬-૧૬ ઓવર રમાયેલી આ મૅચમાં કલકત્તાએ પ્રથમ ઇનિંગ્સમાં ૭ વિકેટ ગુમાવીને ૧૫૭ રન કર્યા હતા. રન ચેઝ કરવા ઊતરેલી મુંબઈની ટીમ ૮ વિકેટે ૧૩૯ રન બનાવી શકી જેને કારણે સીઝનમાં ૯મી વાર હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચ વખતની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે ૨૦૨૨માં સૌથી વધુ ૧૦ હાર સહન કરવી પડી હતી. કૅપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ૧૭ મેએ સીઝનની અંતિમ મૅચ રમશે. 

T20 ક્રિકેટમાં સૌથી વધુ ડક આઉટ

૪૪

સુનીલ નારાયણ

૪૩

ઍલેક્સ હેલ્સ

૪૨

રાશિદ ખાન

૩૨

પૉલ સ્ટર્લિંગ

૩૧

ગ્લેન મૅક્સવેલ

૩૧

જેસન રૉય

કૅપ્ટન શ્રેયસ ઐયરની ટીમ કલકત્તા (૧૮ પૉઇન્ટ્સ) ૧૭મી સીઝનમાં પ્લેઑફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ૨૦૧૨ અને ૨૦૧૪માં ચૅમ્પિયન અને ૨૦૨૧માં રનરઅપ બનનારી આ ટીમે ૮મી વાર પ્લેઑફ માટે ક્વૉલિફાય કર્યું છે. ઈડન ગાર્ડન્સમાં બાવનમી IPL મૅચ જીતીને કલકત્તાએ એક મેદાન પર સૌથી વધુ મૅચ જીતવાના મુંબઈના રેકૉર્ડની બરોબરી કરી હતી.
મુંબઈ સામે સારું પ્રદર્શન ન કરવા છતાં સુનીલ નારાયણે ૩ મોટા રેકૉર્ડ કર્યા હતા. જસપ્રીત બુમરાહની ઓવરમાં ઝીરોમાં આઉટ થનાર ૩૫ વર્ષનો ઑલરાઉન્ડર સુનીલ નારાયણ મેન્સ T20 ક્રિકેટમાં સૌથી વધારે ૪૪ વખત ડક (ઝીરો પર આઉટ) થનાર ખેલાડી બન્યો હતો. તેણે ઇંગ્લૅન્ડના ઍલેક્સ હેલ્સ (૪૩ ડક)ને પાછળ છોડ્યો હતો. ૪૨ ડક સાથે રાશિદ ખાન આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. 

મુંબઈ સામે સુનીલ નારાયણે ૩ ઓવરમાં ૨૧ રન આપીને ૧ વિકેટ લીધી હતી અને એ સાથે જ તે T20 ક્રિકેટમાં ૫૫૦ વિકેટ લેનાર ત્રીજો બોલર બન્યો છે. આ લિસ્ટમાં ડ્વેઇન બ્રાવો ૬૨૫ વિકેટ સાથે પહેલા સ્થાને અને ૫૭૪ વિકેટ સાથે રાશિદ ખાન બીજા સ્થાને છે. સુનીલે વર્તમાન સીઝનમાં ૪૬૧ રન અને ૧૫ વિકેટ લીધી છે. તે એક સીઝનમાં ૪૦૦ રન અને ૧૫ વિકેટ લેનાર ત્રીજો ઑલરાઉન્ડર બન્યો છે. આ પહેલાં શેન વૉટ્સને ૨૦૦૮માં અને જૅક્સ કાલિસે ૨૦૧૨માં આ કમાલ કરી હતી. 

T20 ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ

બોલર

વિકેટ

ડ્વેઇન બ્રાવો

૬૨૫

રાશિદ ખાન

૫૭૪

સુનીલ નારાયણ

૫૫૦

ઇમરાન તાહીર

૫૦૨

શાકિબ-અલ-હસન

૪૮૬

sports news sports cricket news IPL 2024 kolkata knight riders