29 April, 2024 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇશાન કિશનની તસવીર
મુંબઈ ઇન્ડિયન્સના વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશનને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે ઈશાન કિશનને ચેતવણી આપીને તેને મૅચ-ફીના ૧૦ ટકા દંડ ફટકાર્યો છે. તેણે આચારસંહિતાની કલમ ૨.૨ હેઠળ લેવલ ૧નો ગુનો કબૂલ કર્યો હતો. આયોજકોએ ઈશાન કિશનના ગુના વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. કલમ ૨.૨ એવી કોઈ પણ ક્રિયાને આવરી લે છે જે ક્રિકેટની ગરિમાની બહાર હોય; જેમ કે સ્ટમ્પને લાત મારવી, ઇરાદાપૂર્વક કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચાડવું. આમાં ખેલાડીઓ દ્વારા જાહેરાતનાં બોર્ડ, બાઉન્ડરી લાઇન, ડ્રેસિંગ રૂમના દરવાજા, કાચની બારીઓ અને અન્ય વસ્તુઓને નુકસાનનો સમાવેશ થાય છે. ક્રિકેટનાં સાધનો, મેદાનનાં સાધનો અથવા કપડાંને નુકસાન પહોંચાડવાનો પણ આ કલમમાં સમાવેશ થાય છે. ૨૫ વર્ષના ઈશાન કિશને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ માટે ૧૦૦મી મૅચ રમી હતી. ફ્લૉપ-શો યથાવત્ રાખતાં તે દિલ્હી સામે માત્ર ૨૦ રન બનાવી શક્યો હતો.