22 May, 2024 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરભજન સિંહ
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અને કૉમેન્ટેટર હરભજન સિંહે IPL 2024ની ફાઇનલિસ્ટ ટીમોને લઈને પોતાના મનની વાત કહી દીધી છે. તેની યુટ્યુબ ચૅનલ પર ભજ્જીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. જો આમ થશે તો વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ફરી એક વાર આમને-સામને થશે.’
કોહલી અને ગંભીર વચ્ચેની દુશ્મનાવટની ચર્ચા ગઈ સીઝનથી શરૂ થઈ હતી, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સના બોલર નવીન-ઉલ-હકની વિરાટ કોહલી સાથે બોલાચાલી થઈ હતી. એ મૅચમાં લખનઉના મેન્ટર ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે પણ મૅચ બાદ શાબ્દિક યુદ્ધ થયું હતું. આ વિવાદ ઘણા સમયથી ચર્ચામાં હતો. ગૌતમ ગંભીર વર્તમાન સીઝનમાં કલકત્તાની ટીમના મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે હાલમાં જ કોહલી-ગંભીરે એકબીજાને ગળે મળીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. એમ છતાં, ફૅન્સ દિલ્હીમાં જન્મેલા આ બન્ને ક્રિકેટરોની ટીમોને IPL 2024ની ફાઇનલ મૅચમાં સામસામે જોવા માગે છે.