27 November, 2023 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા
૨૦૨૪ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટેના ખેલાડીઓને રિટેન કરવા તેમ જ રિલીઝ કરવા માટેની ગઈ કાલની ડેડલાઇન પહેલાં સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યાના નામે થતી હતી, પરંતુ ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ (જીટી)એ તેને રિટેન કર્યો હોવાની જાહેરાત થતાં જ તેના પરની ચર્ચા શમી ગઈ હતી. જોકે થોડી વારમાં જ એવા અહેવાલ આવ્યા કે હાર્દિકને હજી પણ જીટી છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં પાછા આવવા મળી શકે એમ છે. જોકે મોડી રાતે નવો રિપોર્ટ આવ્યો હતો કે હાર્દિક ઑલ કૅશ ડીલ ટ્રેડ ઑફમાં જીટીમાંથી એમઆઇમાં (અંદાજે ૧૫ કરોડ-પ્લસ રૂપિયામાં) પાછો આવી ગયો છે. ટ્રેડિંગ વિન્ડો ૧૬ દિવસ સુધી (૧૨ ડિસેમ્બર સુધી) ખુલ્લી રહેવાની હોવાથી હજી ઘણા ફેરફારો જોવા મળી શકે.
થોડા દિવસથી ચર્ચા હતી કે હાર્દિકને એમઆઇ ૧૫ કરોડથી વધુ રૂપિયામાં પાછો મેળવી રહ્યું છે એ ઉપરાંત ગુજરાતને મુંબઈ જે ટ્રાન્સફર ફી ચૂકવશે એની ૫૦ ટકા રકમ પણ હાર્દિકને મળશે. જોકે ગઈ કાલે ડેડલાઇન પહેલાં જીટીના ફ્રૅન્ચાઇઝીએ હાર્દિકને પોતાની ટીમના કૅપ્ટનપદે જાળવી રાખ્યો હોવાની જાહેરાત કરી એ સાથે હાર્દિક પરની ચર્ચા ઘણી ઘટી ગઈ હતી. ૧૯ ડિસેમ્બરે દુબઈમાં હરાજી યોજાવાની છે.
જોકે તમામ ૧૦ ટીમોએ ગઈ કાલે જાહેર કરેલા પોતાના લિસ્ટ મુજબ અસંખ્ય ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે તો અનેકને રિલીઝ પણ કરાયા છે. જીટીએ ૨૦૨૨માં ટીમને ટાઇટલ અપાવનાર અને ૨૦૨૩માં ફાઇનલમાં પહોંચાડનાર મોટા ભાગના પ્લેયર્સને રિટેન કર્યા છે. બૅન્ગલોરે વન-ડેના વર્લ્ડ ચૅમ્પિયન ફાસ્ટ બોલર જૉશ હૅઝલવુડને, પેસ બોલર હર્ષલ પટેલને તેમ જ શ્રીલંકાના ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગાને રિલીઝ કરી દીધા છે. મુંબઈ ઇન્ડિયન્સે ૮ કરોડ રૂપિયાના જોફ્રા આર્ચરને છૂટો કરી દીધો છે. અંબાતી રાયુડુ હવે નિવૃત્ત થઈ ગયો હોવાથી અને બેન સ્ટોક્સ ન રમવાનો હોવાથી તેમના નામો ચેન્નઈની ટીમે રિલીઝ કરેલા પ્લેયર્સની યાદીમાં છે. તાજેતરના વર્લ્ડ કપ બાદ ચૅમ્પિયન્સ ટ્રોફી પર પગ રાખીને એનું અપમાન કરનાર મિચલ માર્શને દિલ્હી કૅપિટલ્સે ટીમમાં જાળવી રાખ્યો છે. રાજસ્થાન રૉયલ્સનો જો રૂટ પોતે જ આગામી આઇપીએલમાંથી નીકળી ગયો છે.