IPLમાં પહેલી જ વાર બન્ને ઓપનરોએ ફટકારી સદી

11 May, 2024 06:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતના ગિલ-સુદર્શને ચેન્નઈ સામે કર્યો રેકૉર્ડ

શુભમન ગિલ અને સાઈ સુદર્શન

પ્લેઑફની રેસમાંથી ઑલમોસ્ટ આઉટ થઈ ગયેલા ગુજરાત ટાઇટન્સે ગઈ કાલે અમદાવાદમાં પાંચ વખતની ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે ઓપનરો શુભમન ગિલ અને સાઈ સુદર્શનના રેકૉર્ડબ્રેક પર્ફોર્મન્સ સાથે કમાલ કરી દીધી હતી. IPLના ઇતિહાસમાં બન્ને ઓપનરોએ સેન્ચુરી ફટકારી હોય એવી આ પ્રથમ જોડી બની છે. શુભમન ગિલે ૫૫ બૉલમાં ૬ સિક્સર અને નવ ફોર સાથે ૧૦૪ રન અને સાઈ સુદર્શને ૫૧ બૉલમાં સાત સિક્સર અને પાંચ ફોર સાથે ૧૦૩ રન બનાવ્યા હતા.

આ ઉપરાંત બન્નેએ ૧૭.૨ ઓવરમાં ૨૧૦ રનની પાર્ટનરશિપ સાથે પ્રથમ વિકેટની હાઇએસ્ટ પાર્ટનરશિપના રેકૉર્ડની પણ બરાબરી કરી લીધી હતી. ૨૦૧૮માં ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં કલકત્તા સામે લખનઉના ઓપનરો કે.એલ. રાહુલ અને ક્વિન્ટન ડિકૉકે ૨૦ ઓવરમાં વિના વિકેટે ૨૧૦ રન બનાવ્યા હતા.

આ ઉપરાંત સાઈ સુદર્શન IPLમાં માત્ર ૨૬ ઇનિંગ્સમાં ૧૦૦૦ રનનો આંકડો પાર કરીને સચિન તેન્ડુલકર અને ઋતુરાજ ગાયકવાડ (બન્ને ૩૧ ઇનિંગ્સ)ને પાછળ રાખીને ફાસ્ટેસ્ટ ભારતીય બૅટર બની ગયો હતો.

૧૮મી ઓવરમાં તુષાર દેશપાંડેએ બન્ને ઓપનરોને આઉટ કરી ચેન્નઈને મૅચમાં કમબૅક કરાવ્યું હતું અને એક સમયે લાગી રહેલા ૨૫૦ પ્લસના સ્કોરને ૩ વિકેટે ૨૩૧ સુધી જ સીમિત રાખ્યો હતો. 

sports news sports indian premier league shubman gill cricket news