ત્રીજી વખત IPL ચૅમ્પિયન બની કોલકાતા નાઇટ રાઇડર્સ

27 May, 2024 08:00 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

IPLના ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર ફટકારનાર હૈદરાબાદ ફાઇનલનો લોએસ્ટ સ્કોર બનાવીને હાર્યું

૧૧૪ રનના ટાર્ગેટને કલકત્તાની ટીમે બે વિકેટ ગુમાવીને ૧૧મી ઓવરમાં ચેઝ કરી લીધો હતો

ગઈ કાલે ચેપૉકમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૮ વિકેટથી હરાવીને કોલકાતા નાઇટ રાઇડર્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ચૅમ્પિયન બન્યું હતું. હૈદરાબાદે ઑલઆઉટ થઈને આપેલા ૧૧૪ રનના ટાર્ગેટને કલકત્તાની ટીમે બે વિકેટ ગુમાવીને ૧૧મી ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

૨૦૧૨ અને ૨૦૧૬માં ગૌતમ ગંભીરની કૅપ્ટન્સીમાં ચૅમ્પિયન બનનારી કલકત્તાની ટીમ આ વર્ષે તેની મેન્ટરશિપમાં ત્રીજી વખત ચૅમ્પિયન બની છે. કૅપ્ટન શ્રેયસ ઐયર સામે આખરે કૅપ્ટન પૅટ કમિન્સનો ફાઇનલ્સ જીતવાનો સિલસિલો અટક્યો હતો. ૨૦૧૬ની ચૅમ્પિયન ટીમ હૈદરાબાદ ૨૦૧૮ બાદ બીજી વખત રનર-અપ બની હતી.

ટોસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી હૈદરાબાદ ૧૭ વર્ષના ઇતિહાસમાં IPL ફાઇનલનો લોએસ્ટ સ્કોર ૧૧૩ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. આ એ જ ટીમ છે જેણે વર્તમાન સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ૨૮૭ રનનો હાઇએસ્ટ સ્કોર ફટકાર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં એક પણ હૈદરાબાદી ૩૦ પ્લસનો સ્કોર ફટકારી શક્યો ન હતો. માત્ર ૨૪ રનનો હાઇએસ્ટ સ્કોર કૅપ્ટન પૅટ કમિન્સનો રહ્યો હતો. કલકત્તા તરફથી સૌથી વધારે આન્દ્રે રસેલે ૩ વિકેટ ઝડપી હતી. મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણાએ ૨-૨, જ્યારે સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને વૈભવ અરોરાએ ૧-૧ વિકેટ લીધી હતી.

રન ચેઝ કરવા ઊતરેલી કલકત્તાની ટીમે બીજી ઓવરમાં સુનીલ નારાયણ (૬ રન)ની વિકેટ ગુમાવી હતી, પણ બીજી વિકેટ માટે વેન્કટેશ ઐયર અને રહેમાનુલ્લા ગુરબાઝે (૩૯ રન) ૪૫ બૉલમાં ૯૧ રનની પાર્ટનરશિપ કરીને કલકત્તાની જીત નિશ્ચિત કરી હતી. ૨૪ બૉલમાં ૫૦ રન ફટકારનાર વેન્કટેશ ઐયરની આ ચોથી પ્લેઑફ ફિફ્ટી હતી. તેણે ૨૦૨૧માં ક્વૉલિફાયર-ટૂમાં દિલ્હી કૅપિટલ્સ સામે ૫૫ રન અને ફાઇનલમાં ૫૦ રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે વર્તમાન સીઝનમાં તેણે ક્વૉલિફાયર-વનમાં હૈદરાબાદ સામે ૫૧ રનની ઇનિંગ્સ રમી હતી. હૈદરાબાદ તરફથી કૅપ્ટન પૅટ કમિન્સ અને શાહબાઝ અહમદને ૧-૧ વિકેટ લેવામાં સફળતા મળી હતી.

indian premier league IPL 2024 kolkata knight riders hyderabad cricket news sports sports news