19 December, 2023 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરની ટીમના બાદશાહ વિરાટ કોહલી સાથે માનવ સુથાર. રાજસ્થાનના સ્પિનર માનવને મેળવવામાં બૅન્ગલોરનું ફ્રૅન્ચાઇઝી રસ બતાવશે તો નવાઈ નહીં.
૨૦૦૮માં શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અગાઉ ક્યારેક ભારતની બહાર યોજાઈ ચૂકી છે, પરંતુ પ્લેયર્સ ઑક્શન સૌપ્રથમ વાર ભારતની બહાર યોજાશે અને એ દિવસ આવી પહોંચ્યો છે. દુબઈમાં આજે ભારતીય સમય મુજબ બપોરે ૧.૦૦ વાગ્યે હરાજી શરૂ થશે જેમાં ૭૭ સ્થાન ભરવા માટે કુલ ૩૩૩ ખેલાડીઓનાં નામ પર બોલી બોલાશે. ૭૭માં ૩૦ સ્થાન વિદેશી ખેલાડીઓ માટે રિઝર્વ્ડ છે. ૩૩૩માં ૨૧૪ ભારતીય અને ૧૧૯ વિદેશી ખેલાડી છે. કુલ મળીને ૧૧૬ પ્લેયર પોતાની નૅશનલ ટીમ વતી રમી ચૂક્યા છે, જ્યારે ૨૧૫ ખેલાડી હજી સુધી ઇન્ટરનૅશનલ મૅચ નથી રમ્યા.
ઘણા ખેલાડીઓ અનસોલ્ડ રહેશે, પરંતુ કેટલીક ડીલ્સ મસમોટી થવાની પાકી સંભાવના છે. ૧૦ ટીમમાંથી સૌથી વધુ રકમ ગુજરાત ટાઇટન્સે ખર્ચ કરવાની બાકી છે. એની પાસે હજી ૩૮.૧૫ કરોડ રૂપિયા બાકી રહ્યા છે અને એમાંથી એણે બે વિદેશી ખેલાડી સહિત વધુમાં વધુ ૮ પ્લેયર ખરીદવાના રહેશે.
૭૭માંથી ૨૩ પ્લેયરે પોતાને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસની કૅટેગરીમાં મૂક્યા છે. એમાં શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, મિચલ સ્ટાર્ક, ટ્રેવિસ હેડ વગેરેનો સમાવેશ છે. ૧૩ પ્લેયર્સે પોતાને માટે ૧.૫૦ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખી છે અને જો કોઈ ફ્રૅન્ચાઇઝી તેને ખરીદવા માગશે તો એ રકમ પરથી તેણે બોલી બોલવાની રહેશે. આજના ઑક્શનમાં શાર્દૂલ ઠાકુર, હર્ષલ પટેલ, રાચિન રવીન્દ્ર, ફિલ સૉલ્ટ, હૅરી બ્રુક, વનિન્દુ હસરંગા, પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક તેમ જ માનવ સુથાર અને આશુતોષ શર્મા જેવા ભારતના ડોમેસ્ટિક ખેલાડીઓ પર મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીઓની નજર રહેશે.
હાઈ-પ્રોફાઇલ પ્લેયર શાર્દૂલ ઠાકુર ચેન્નઈ, દિલ્હી, પંજાબ, કલકત્તા વતી રમી ચૂક્યો છે.
રોહિત થાકી ગયો છે, હાર્દિક મુંબઈમાં નવા વિચાર લાવશે : ગાવસકર
લેજન્ડરી બૅટર સુનીલ ગાવસકરનું માનવું છે કે ‘રોહિત શર્મા થાકી ગયેલો લાગે છે અને થોડાં વર્ષોથી તે બૅટિંગમાં પૂરતું યોગદાન નથી આપી શક્યો, જ્યારે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં નવા વિચાર લાવશે.’ એમઆઇએ હાર્દિકને ગુજરાત ટાઇટન્સ પાસેથી મેળવીને તેને ટીમનો કૅપ્ટન બનાવ્યો છે. ગાવસકરે ગઈ કાલે સ્ટાર સ્પોર્ટ્સને એવું પણ કહ્યું હતું કે ‘રોહિત વર્ષોથી સતત કૅપ્ટન્સીની જવાબદારી સાથે આઇપીએલ રમે છે અને ભારતીય ટીમનું સુકાન પણ સંભાળી રહ્યો છે. જોકે તે હવે થાકી ગયેલો દેખાય છે. બૅટિંગમાં તેનું યોગદાન થોડું ઘટી ગયું છે. હાર્દિકને એમઆઇનો કૅપ્ટન બનાવાયો એ નિર્ણય યોગ્ય છે કે નહીં એ વિશે આપણે ન વિચારવું જોઈએ. એમઆઇએ ટીમના ફાયદા માટે જ આ નિર્ણય લીધો હશે. હાર્દિકે કૅપ્ટન તરીકે પોતાને સફળ પુરવાર કર્યો છે. અગાઉ રોહિતનું બૅટિંગમાં બહુ સારું યોગદાન રહેતું હતું, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં આ ટીમ નવમા કે દસમા નંબરે પણ રહી છે. ૨૦૨૩માં એમઆઇ પ્લે-ઑફમાં આવી હતી, પરંતુ ભૂતકાળમાં જોયો હતો એવો જોશ એમાં નહોતો જોવા મળ્યો.’
કઈ ટીમ કોને ખરીદવા પર નજર રાખશે?
ચેન્નઈ : શાર્દૂલ ઠાકુર, મનીષ પાન્ડે, શાહરુખ ખાન (ઑલરાઉન્ડર), હૅઝલવુડ (માર્ચ-એપ્રિલમાં જ રમશે)
દિલ્હી : હર્ષલ પટેલ, પ્રિયાંશ આર્યા, શાર્દૂલ ઠાકુર, જૉસ ઇંગ્લિસ, વનિન્દુ હસરંગા
ગુજરાત : શાર્દૂલ ઠાકુર, રાચિન રવીન્દ્ર, ડેરિલ મિચલ, ઓમરઝાઇ
કલકત્તા : મિચલ સ્ટાર્ક, પૅટ કમિન્સ, રાચિન રવીન્દ્ર, હર્ષલ પટેલ
મુંબઈ : વનિન્દુ હસરંગા,
માનવ સુથાર, આશુતોષ શર્મા, દર્શન મિસાલ
લખનઉ : ગેરાલ્ડ કોએટ્ઝી, દિલશાન મદુશન્કા, આશુતોષ શર્મા
હૈદરાબાદ : શાર્દૂલ ઠાકુર, હર્ષલ પટેલ
બૅન્ગલોર :મિચલ સ્ટાર્ક, પૅટ કમિન્સ, માનવ સુથાર
પંજાબ : શાર્દૂલ ઠાકુર, હર્ષલ પટેલ, રાચિન રવીન્દ્ર
રાજસ્થાન : ઘણા ડોમેસ્ટિક પ્લેયર્સ જેમ કે સમીર રિઝવી, સ્વસ્તિક ચિકારા, આશુતોષ શર્મા, અભિમન્યુ સિંહ, સૌરભ ચૌહાણ
કઈ ટીમ પાસે કેટલા પૈસા બાકી અને કેટલા સ્લૉટ ભરવાના બાકી? |
|||
ફ્રૅન્ચાઇઝી |
પૈસા ખર્ચ કરવાના બાકી |
ઉપલબ્ધ સ્લૉટ |
વિદેશી સ્લૉટ |
ચેન્નઈ |
૩૧.૪૦ |
૬ |
૩ |
દિલ્હી |
૨૮.૯૫ |
૯ |
૪ |
ગુજરાત |
૩૮.૧૫ |
૮ |
૨ |
કલકત્તા |
૩૨.૭૦ |
૧૨ |
૪ |
લખનઉ |
૧૩.૧૫ |
૬ |
૨ |
મુંબઈ |
૧૭.૭૫ |
૮ |
૪ |
પંજાબ |
૨૯.૧૦ |
૮ |
૨ |
બૅન્ગલોર |
૨૩.૨૫ |
૬ |
૩ |
રાજસ્થાન |
૧૪.૫૦ |
૮ |
૩ |
હૈદરાબાદ |
૩૪.૦૦ |
૬ |
૩ |
નોંધ : (૧) ટીમે ખર્ચ કરવાની બાકી રહેલી રકમના આંકડા કરોડ રૂપિયામાં છે. (૨) આજે ૧૦ ફ્રૅન્ચાઇઝીઓએ કુલ ૨૬૨.૯૫ કરોડ રૂપિયા વાપરવાના રહેશે. |