23 April, 2023 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચ પૂરી થયા બાદ હૈદરાબાદના ખેલાડીઓ સાથે વાત કરતો ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની.
કલકત્તાની ટીમ સતત ત્રણ મૅચ હારીને આજે ચેન્નઈ સામે રમશે. બૅન્ગલોર અને ગુજરાત સામેની મૅચમાં જીત મેળવીને નીતીશ રાણાની આગેવાનીવાળી ટીમે સારી શરૂઆત કરી હતી, પણ બાદમાં તેઓ વિજયનો રસ્તો ભૂલી ગયા છે. કલકત્તા ૬ મૅચમાં ચાર પૉઇન્ટ સાથે આઠમા ક્રમાંકે છે. કલકત્તાની હાર માટે બૅટિંગમાં ધબડકો જવાબદાર છે. બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે. કલકત્તાની ટીમ દિલ્હી સામેની છેલ્લી મૅચમાં ૧૨૭ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. કલકત્તાની ટીમે મૅચ પહેલાં ખેલાડીઓની અદલાબદલી કરવા કરતાં ટીમને સતાવતા પ્રશ્નોને ઉકેલવા જોઈએ. ઇંગ્લૅન્ડનો ઓપનર જેસન રૉય અફઘાન ક્રિકેટર ગુરબાઝ રહમનુલ્લાહ અને લિટન દાસ કરતાં સારું
પ્રદર્શન કરી રહ્યો છે. બંગલાદેશનો કીપર-બૅટર માત્ર બૅટિંગમાં જ નિષ્ફળ નથી રહ્યો, પરંતુ અક્ષર પટેલ અને જયંત યાદવનાં સ્ટમ્પિંગ કરવાની તક પણ ચૂકી ગયો હતો. ભારતીય ખેલાડી નારાયણ જગદીશનને તેને બદલે વિકેટકીપર અને બૅટર્સ તરીકે રમાડી શકાય. દિલ્હી સામે ખરાબ પ્રદર્શન કરનાર સુનીલ નારાયણ ચેન્નઈ સામે વાપસી કરવા માગશે.
ભલે નીતીશ રાણા માટે આ મૅચ કસોટી સમાન હોય, પરંત ઈડન ગાર્ડન્સના દર્શકો તો ચેન્નઈના કૅપ્ટન ધોનીની સાથે હશે. એવું માનવામાં આવે છે કે ધોની છેલ્લી વખત આ મેદાનમાં જોવા મળશે એથી તેને સમર્થન આપવા દર્શકો મોટી સંખ્યામાં આવશે. તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. ઊંચી કિંમતે ટિકિટનાં કાળાબજાર થઈ રહ્યાં છે. ગુજરાત સામેની પહેલી મૅચ હાર્યા બાદ ધોનીની આગેવાનીમાં ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. હૈદરાબાદ સામેની છેલ્લી મૅચમાં ઓપનર ડેવોન કૉન્વે અને ઋતુરાજ ગાયકવાડે ૬૬ બૉલમાં ૮૭ રનની પાર્ટનરશિપ દ્વારા વિજયનો પાયો નાખ્યો હતો. કૉન્વેએ અણનમ ૭૭ રન ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યુ ઝીલૅન્ડનો એ બૅટર નારાયણ અને વરુણ ચક્રવર્તીનો પડકાર ઝીલવા તૈયાર છે. ચેન્નઈની સ્પિન ત્રિપુટી મોઇન અલી, રવીન્દ્ર જાડેજા અને મહીશ તીક્ષાના પણ ઈડનમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર છે. જોકે ચેન્નઈ માટે કોઈ એક્સ-ફૅક્ટર ખેલાડી હોય તો એ છે શ્રીલંકાનો ફાસ્ટ બોલર મથીસા પથિરાના, જેની ઍક્શન કંઈક અંશે લસિથ મલિન્ગા સાથે મળતી આવે છે. ધોનીએ કહ્યું કે ‘તેની પાસે વિવિધતા છે, ઝડપ છે, ભલે તેની ઍક્શન થોડી વિચિત્ર છે, પરંતુ તેની લાઇન અને લેંગ્થમાં સાતત્ય છે. તેની સામે રન કરવા મુશ્કેલ છે.’
હું કરીઅરના અંતિમ તબક્કામાં છું : મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે ‘હું મારી કરીઅરના અંતિમ તબક્કામાં છું. બે વર્ષ બાદ દર્શકોને આ સ્ટેડિયમમાં જોઈને ઘણું સારું લાગે છે. દર્શકોએ અમને ઘણો પ્રેમ આપ્યો છે.’ ધોની આ છેલ્લી આઇપીએલ રમી રહ્યો છે એ વાતને જાણે તેણે જાતે જ સમર્થન આપ્યું છે.