આઇપીએલના હાઈ-વૉલ્ટેજ મુકાબલાઓને સ્પિનરો જબરો ટર્ન આપી રહ્યા છે

16 April, 2023 10:55 AM IST  |  Mumbai | Umesh Deshpande

આઇપીએલને શરૂઆતથી જ બેટર્સની ગેમ ગણવામાં આવે છે. મૅચની દશા અને દિશાને ગમે ત્યારે બદલી નાખે છે. બીજી તરફ, ફાસ્ટ બોલરો પણ યૉર્કર, સ્વિંગ અને સ્લો બૉલ જેવા વેરિયેશનથી પ્રભાવ પાડતા હોય છે.

સુયશ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ

આઇપીએલને શરૂઆતથી જ બેટર્સની ગેમ ગણવામાં આવે છે. મૅચની દશા અને દિશાને ગમે ત્યારે બદલી નાખે છે. બીજી તરફ, ફાસ્ટ બોલરો પણ યૉર્કર, સ્વિંગ અને સ્લો બૉલ જેવા વેરિયેશનથી પ્રભાવ પાડતા હોય છે. જોકે આપણે છેલ્લાં બે-ત્રણ વર્ષનાં પ્રદર્શન પર નજર કરીશું તો એવું લાગે છે કે આઇપીએલ ખરેખર તો સ્પિનરોની જ ગેમ છે. ટીમના પરિણામમાં તેમનો ફાળો મહત્ત્વનો છે. યુઝવેન્દ્ર ચહલનું ભારતીય ટીમમાં ભલે આવનજાવન ચાલુ રહેતું હોય, પણ આઇપીએલનો તે સૌથી સફળ બોલર છે. સુનીલ નારાયણ, પીયૂષ ચાવલા, અમિત મિશ્રા અને રશીદ ખાન જેવા સિપનરોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
દરેક ટીમ સારા સ્પિનરોને શોધવા માટે ઘણી જેહમત ઉઠાવે છે. કોચ, અસિસ્ટન્ટ કોચ સારા સ્પિનરોની શોધ આખા વર્ષ દરમ્યાન ચાલુ જ રાખતા હોય છે, જેનો ફાયદો પણ તેમને મળે છે. રાહુલ ચહર, વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈ જેવા યુવા સ્પિનરોએ પણ આઇપીએલ દ્વારા પોતાની પ્રતિભાને સાબિત કરી આપી છે.
દરેક ટીમમાં એક લેગ સ્પિનર કહો કે મિસ્ટરી સ્પિનર, એ તો હોવો જ જોઈએ. આઇપીએલની હરાજી વખતે પણ દરેક ટીમે પોતાની પાસે આવો એક સ્પિનર હોય એનું ખાસ ધ્યાન રાખ્યું છે, તો કેટલીક ટીમે પહેલેથી જ આવા દિગ્ગજ સ્પિનરોને પોતાની ટીમમાં રાખી મૂક્યા છે. તાજેતરની ચેન્નઈ સામેની રાજસ્થાનની મૅચ જોઈએ તો ખ્યાલ આવશે કે રવિચન્દ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને ઍડમ ઝૅમ્પાએ મળીને રાજસ્થાનને જિતાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ ત્રણેયે ૧૨ ઓવર નાખીને ૯૫ રન આપ્યા તેમ જ પાંચ વિકેટ પણ લીધી હતી. કલકત્તાના બૅટર રિન્કુ સિંહે છેલ્લા પાંચ બૉલમાં પાંચ સિક્સર ફટકારીને મૅચની બાજી જરૂર પલટી નાખી હતી, પરંતુ આ જ મૅચમાં રશીદ ખાને હૅટ-ટ્રિક લઈને ગુજરાતની ટીમને જીતની નજીક તો લાવી જ દીધી હતી, એ વાતને ભૂલી ન શકાય. કલકત્તાની ટીમની વાત કરીએ તો સૌથી વધુ મિસ્ટરી સ્પિનર ટીમમાં જ છે. ઍક્શનમાં ફેરફાર કરવાની ફરજ પડી હોવા છતાં તેમણે સુનીલ નારાયણ પર વિશ્વાસ કાયમ રાખ્યો છે. બીજી તરફ, વરુણ ચક્રવર્તીએ આઇપીએલમાં કલકત્તાને ઘણી મૅચમાં જિતાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે તેમ છતાં, દિલ્હીની કોઈ ક્લબમાં રમતા ૧૯ વર્ષના યુવા ખેલાડીને શોધવા માટે કંઈ કેટલીયે મહેનત આ ટીમના મૅનેજમેન્ટે કરી હતી. વળી છેક સુધી આ ખેલાડી વિશે અન્ય ટીમોને માહિતી ન મળે એની પણ કાળજી રાખી હતી. ખુદ સુયશ શર્માને પણ ખબર નહોતી કે તેની પસંદગી થવાની છે. એથી જ તે મુંબઈ ઇન્ડિન્સની ટીમમાં સિલેક્ટ થવા માટે પણ ટ્રાયલ આપવા આવી ચૂક્યો હતો, પણ મુંબઈનું મૅનેજમેન્ટ તેની પ્રતિભાને ઓળખી શક્યું નહોતું. કલકત્તાની ટીમે તેને હરાજીમાં ખરીદ્યો હોવાની વાત પણ તેના મિત્રો દ્વારા જ ખબર પડી હતી. આમ, કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ માત્ર ૨૦ લાખ રૂપિયા ખર્ચીને એક હીરાને શોધી કાઢ્યો હતો. બૅન્ગલોર સામેની મૅચમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આવીને સુયશે પોતાનો સારો એવો ઇમ્પૅક્ટ પાડી દીધો છે. લખનઉની ટીમને હૈદરાબાદ સામે જિતાડવામાં કૃણાલ પંડ્યાની ત્રણ વિકેટ અને ૩૪ રને મહત્ત્વનો ફાળો આપ્યો હતો, જેમાં લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ પણ વિકેટ લેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
ટૂંકમાં, આપણી આઇપીએલને સ્પિનરો વધુ રોમાંચક તો બનાવી જ રહ્યા છે, જૂના સ્પિનરો પાછા લોકપ્રિય થઈ રહ્યા છે તેમ જ આપણને ઇન્ટરનૅશનલ્સ માટે એમાંથી અઢળક નવા સ્પિનરો પણ મળી રહ્યા છે.

sports news cricket news ipl 2023 indian premier league