ધોનીની આ છેલ્લી આઇપીએલ : સંકેત આપી દીધો

16 May, 2023 11:08 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

સુનીલ ગાવસકર દોડી આવ્યા માહીનો આૅટોગ્રાફ લેવા, રવિવારે ચેન્નઈમાં યોજાઈ શાનદાર પરેડ, ચાહકોએ આપ્યું ફેરવેલ, કૈફે પણ કહ્યું કે ધોની આવતા વર્ષે નહીં રમે આઇપીએલમાં

સુનીલ ગાવસકરે રવિવારે ચેપૉકના મેદાન પર પોતાના શર્ટ પર ચેન્નઈ સુપર કિંગ્સના સુપરસ્ટાર કૅપ્ટન ધોનીના ઑટોગ્રાફ લીધા હતા. તસવીર iplt20.com

મહેન્દ્ર સિંહ ધોની, એમએસ ધોની, એમએસડી, માહી, થાલા અને કૅપ્ટન કૂલ જેવાં નામ અને હુલામણાં નામ હવે પછી ફરી સાંભળવા તો મળશે, પણ ક્રિકેટના મેદાન પરના પર્ફોર્મન્સ પરથી કદાચ થોડા જ દિવસ સાંભળવા મળશે, કારણ કે રવિવારે ચેન્નઈમાં ચેપૉકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામેની ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની મૅચ પછી જેકાંઈ બન્યું એના પરથી સ્પષ્ટ અણસાર મળી ગયો કે વિશ્વના આ ગ્રેટેસ્ટ કૅપ્ટન-વિકેટકીપર-બૅટરની ક્રિકેટ કરીઅરનો અંત બહુ નજીક છે. એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ધોની છેલ્લી આઇપીએલ રમી રહ્યો છે.
 
 
વિકીપીડિયામાં બતાવવામાં આવેલી ધોનીની સિગ્નેચર
 
ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર મેદાન પર કોઈ બીજા ક્રિકેટરનો ઑટોગ્રાફ લેવા દોડી આવે એવું કોઈએ સપનેય નહીં ધાર્યું હોય, પરંતુ રવિવારે એવું બન્યું, જેમાં કૉમેન્ટેટર સનીએ ચેન્નઈના મેદાન પર પોતાના શર્ટ પર ધોનીના ઑટોગ્રાફ મેળવ્યા હતા. ચેન્નઈની ટીમ રવિવારે કલકત્તા સામે હારી ગઈ, પણ મૅચ પછી ધોની અને સીએસકેના ખેલાડીઓ મેદાન પર છવાઈ ગયા હતા. ગ્રાઉન્ડ પર ધોનીના નેતૃત્વમાં શાનદાર પરેડ યોજાઈ હતી, જેમાં ધોની, જાડેજા તેમ જ ચેન્નઈની ટીમ સાથે જોડાયેલા રૈના સહિતના ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓએ મેદાન પર પરેડ કરીને હજારો ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે રૅકેટથી અનેક ટેનિસ બૉલને પ્રેક્ષકો તરફ ફટકારીને તેમને ભેટ આપ્યા હતા.
 
 
ઘાયલ શેર : ધોની રવિવારે ચેન્નઈના ગ્રાઉન્ડ પર કલકત્તા સામેની મૅચ પછી ઘૂંટણની ઈજાને કારણે ની-પૅડ પહેરીને માંડ-માંડ ચાલ્યો હતો અને રૅકેટથી ટેનિસ બૉલ ફટકારીને પ્રેક્ષકોમાં મોકલ્યા હતા અને એ રીતે ચાહકોને ટેનિસ બૉલની ભેટ આપી હતી. :તસવીર iplt20.com
 
ધોનીની આગેવાનીમાં સીએસકેનું પ્રેક્ષકો સાથે આ જે ટ્યુનિંગ હતું એમાં સીએસકેની કેકેઆર સામેની એ દિવસની હાર ભુલાઈ ગઈ હતી.
 
 
ચેન્નઈના ખેલાડીઓએ રવિવારે ચેન્નઈના મેદાન પરની આખરી લીગ મૅચ રમ્યા પછી એક ચાહકના બૅનર પાસે ઊભા રહીને ફોટો પડાવ્યો હતો.
 
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ૨૦૦૨ની નેટવેસ્ટ ટ્રોફી ફાઇનલના હીરો મોહમ્મદ કૈફનું પણ માનવું છે કે ધોની છેલ્લી આઇપીએલ રમી રહ્યો છે. તેણે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે ‘મને લાગે છે કે એમએસડીએ પૂરતો સંકેત આપી દીધો છે કે આ તેની આખરી આઇપીએલ છે. 
 
 
રવિવારે ચેન્નઈના વીઆઇપી સ્ટૅન્ડમાં ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા પણ બેઠી હતી.
 
તે હંમેશાં બધાને વિચારતા અને ધારણાઓ કરતા રાખતો હોય છે અને એ તો તેનો સ્વભાવ છે, પરંતુ મારો અંતરાત્મા કહે છે કે ધોની આવતા વર્ષની આઇપીએલમાં નહીં રમે.’ કૈફે ગાવસકર અને ધોની વચ્ચેની મેદાન પરની આશ્ચર્યભરી મુલાકાતની વાત કરતાં કહ્યું કે ‘સની સર બીજા કોઈ ક્રિકેટરના ઑટોગ્રાફ લેતા હોય એવું અગાઉ ક્યારેય નહોતું બન્યું. સુનીલ ગાવસકર જેવી મહાન હસ્તી પોતાના શર્ટ પર ધોનીના ઑટોગ્રાફ લે એ જ એમએસ ધોનીની મહાનતા પુરવાર કરવા માટે પૂરતું છે.’
 
જાડેજાને યશ પ્રજાપતિએ બનાવેલું પેઇન્ટિંગ ખૂબ ગમ્યું
 
 
જાણીતા યુવાન આર્ટવર્ક સ્પેશ્યલિસ્ટ યશ પ્રજાપતિએ ભારતના ટોચના ઑલરાઉન્ડર અને સીએસકેના ખેલાડી રવીન્દ્ર જાડેજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે જે યશે રવિવારે જાડેજાને બતાવ્યું હતું અને એના પર તેના ઑટોગ્રાફ લીધા હતા. જાડેજાએ જણાવ્યું કે ‘યશે બનાવેલું પેઇન્ટિંગ ખરેખર બહુ સરસ છે. મને ખૂબ ગમ્યું.’
sports news sports cricket news ms dhoni mahendra singh dhoni sunil gavaskar ipl 2023 chennai super kings indian premier league kolkata knight riders