04 April, 2023 10:29 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડેવિડ મિલરે (ડાબે) બે દિવસ પહેલાં જોહનિસબર્ગમાં નેધરલૅન્ડ્સ સામેની વન-ડેમાં ૯૧ રન બનાવી સાઉથ આફ્રિકાને સિરીઝ ૨-૦થી જિતાડી આપી હતી. જોકે નૉર્કિયા (જમણે)ને એ મૅચમાં વિકેટ નહોતી મળી. તસવીર એ.એફ.પી.
ડેવિડ વૉર્નરના સુકાનમાં પહેલી એપ્રિલે સાધારણ બોલિંગને કારણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૫૦ રનના માર્જિનથી હારી જનાર દિલ્હી કૅપિટલ્સના ભારતીય પેસ બોલર્સની આજે ફરી કસોટી છે. આજે તેમણે ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને ૩૧ માર્ચે સૌથી પહેલા મુકાબલામાં ચેન્નઈને પાંચ વિકેટે હરાવનાર હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઇટન્સ સાથે બાથ ભીડવાની છે. જોકે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર્સ ઍન્રિક નૉર્કિયા અને લુન્ગી ઍન્ગિડી ભારત આવી ગયા હોવાથી દિલ્હીની ટીમને જરૂર હાશકારો થયો હશે. એ જ રીતે ગુજરાતની ટીમને આજથી ડેવિડ મિલરનો લાભ મળશે એટલે સતત બીજી મૅચ જીતવાની તેમને સારી તક છે. મિલર તેમ જ નૉર્કિયા અને ઍન્ગિડી જોહનિસબર્ગથી દિલ્હી એક જ ફ્લાઇટમાં આવ્યા હતા.
સાકરિયા, મુકેશની પેસ ચિંતાજનક
ચેતન સાકરિયાએ લખનઉની બે વિકેટ લીધી હતી, પરંતુ તેની અને લખનઉ સામે વિકેટ વિનાના રહેલા મુકેશ કુમારની બોલિંગમાં ઇન્ટરનૅશનલ્સ બૅટર્સને સતત મુશ્કેલીમાં મૂકી શકાય એવા પેસ તથા વેરિએશન્સનો અભાવ છે. બહુ સારું ફૉર્મ ધરાવતા શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા અને હવે તો ડેવિડ મિલર પણ તેમની બોલિંગને ચીંથરેહાલ કરી શકે. સાકરિયાને બદલે મુસ્તફિઝુર રહમાનને મોકો આપવામાં આવે તો નવાઈ નહીં. લખનઉની બે વિકેટ લેનાર દિલ્હીના ખલીલ અહમદની બોલિંગ સારી છે, પણ તે ફીલ્ડિંગમાં નબળો છે. ઇશાન્ત શર્માને બેઝ પ્રાઇસમાં જ લેવામાં આવ્યો છે અને પ્રૅક્ટિસમાં તે ધારદાર અસર ન પાડી શક્યો હોવાથી તેનો ઉપયોગ માત્ર ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે કરવામાં આવે તો નવાઈ નહીં. હેડ-કોચ રિકી પૉન્ટિંગે ટીમના કૉમ્બિનેશન બનાવવામાં ખૂબ ધ્યાન રાખવું પડશે.
આ પણ વાંચો: IPL: સ્ટેડિયમમાં મેચ જોવા જતાં પહેલાં જાણી લો આ નિયમો, નહીં તો થશે કડક કાર્યવાહી
ફરી વૉર્નર-માર્શ પર મદાર
સામા છેડે દિલ્હીના બૅટર્સ માટે મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા તેમ જ અલ્ઝારી જોસેફ, યશ દયાલ અને એવરગ્રીન રાશિદ ખાન મુશ્કેલી ઊભી કરી શકે. દિલ્હીની બૅટિંગ લાઇન-અપમાંના ભારતીયો રિપલ પટેલ, લલિત યાદવ અને અમન ખાન સારા ડોમેસ્ટિક પ્લેયર્સ ગણાય છે, પરંતુ વિદેશી બૅટિંગ ફોજ (વૉર્નર, મિચલ માર્શ, પોવેલ) કેવું રમે છે એના પર બધો આધાર છે.
13
ગુજરાત ટાઇટન્સની ટીમ અત્યાર સુધી ૧૭માંથી કુલ આટલી મૅચ જીતી છે અને એ રીતે ટુર્નામેન્ટના ઇતિહાસમાં તેમનો આ બેસ્ટ જીત-હારનો રેશિયો છે.