06 April, 2023 11:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સાઈ સુદર્શન
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સે મંગળવારે પાટનગર દિલ્હીમાં સોળમી આઇપીએલમાં સતત બીજી મૅચ જીતી લીધી હતી અને એ સાથે હાર્દિક પંડ્યાની ટીમે જેમાં ટાર્ગેટ ચેઝ કર્યો હોય એવી ૧૧માંથી ૧૦મી મૅચ જીતીને અનોખો રેકૉર્ડ કાયમ કર્યો હતો. ફાંકડા ફટકાબાજ ડેવિડ મિલરે (૩૧ અણનમ, ૧૬ બૉલ, બે સિક્સર, બે ફોર) સાઉથ આફ્રિકાથી આવ્યા પછી પહેલા જ મુકાબલામાં મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું, પણ સૌકોઈના મોઢે તામિલનાડુના ૨૧ વર્ષના બી. સાઈ સુદર્શન (૬૨ અણનમ, ૪૮ બૉલ, બે સિક્સર, ચાર ફોર)નું જ નામ હતું. તેણે આવતાંવેંત ફટકાબાજી કરી હતી. ગુજરાતને શુભમન ગિલના રૂપમાં બીજો ઝટકો લાગ્યો ત્યારે નર્વસ થવાને બદલે સાઈ આક્રમક મૂડમાં રમ્યો હતો.
સાઈ ચેન્નઈ સામેની પહેલી મૅચમાં ઈજાગ્રસ્ત કેન વિલિયમસનના સ્થાને રમ્યો હતો અને એમાં સાઈએ ૧૭ બૉલમાં ત્રણ ફોરની મદદથી બાવીસ રન બનાવ્યા હતા.
નોર્કિયાની પાંચમી ઓવરનું અપ-ડાઉન
ત્રણ જ દિવસ પહેલાં સાઉથ આફ્રિકાથી આવેલા પેસ બોલર ઍન્રિક નોર્કિયાએ ગુજરાતની પાંચમી ઓવરની શરૂઆત તો સારી કરી હતી, પણ બાકીના બૉલમાં સુદર્શન અને હાર્દિકે ફટકાબાજી કરીને ઓવરને ખર્ચાળ બનાવી હતી. પહેલા બૉલમાં શુભમન ગિલ ક્લીન બોલ્ડ થયા બાદ બીજો બૉલ નો બૉલ હતો જેમાં એક રન પણ બન્યો હતો. પછીના બૉલમાં સાઈએ સ્કૂપના સપાટાથી નોર્કિયાને અને દિલ્હીના તમામ પ્લેયર્સને અને દિલ્હીની ટીમના ચાહકોને ચોંકાવી દીધા હતા. નોર્કિયાએ કલાકે ૧૪૪.૨ કિલોમીટરની ઝડપે ફેંકેલા બૉલને ફટકારવા સાઈ અક્રોસ આવ્યો અને જબરદસ્ત સ્ટાઇલમાં ફાઇન લેગ પરથી છગ્ગો ફટકારી દીધો હતો. સાઈએ પોતાનાથી થઈ શકે એવા શ્રેષ્ઠ પ્રયત્નમાં નોર્કિયાના બૉલને બરાબર ન્યાય આપ્યો હતો.
નોર્કિયાનો ત્રીજો બૉલ ડૉટ-બૉલ હતો અને ચોથામાં સાઈએ બાયમાં રન લીધો હતો. પાંચમો બૉલ પણ ડૉટ-બૉલ રહ્યા બાદ છેલ્લો બૉલ જે કલાકે ૧૨૧.૬ની ઝડપે સ્લો બૉલ હતો જેમાં હાર્દિકે આગળ આવીને કવરમાંથી બૉલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો હતો.
મિલર પણ સાઈ પર આફરીન
હાર્દિક તો સસ્તામાં (માત્ર પાંચ રનમાં) આઉટ થઈ ગયો હતો, પણ સાઈએ પહેલાં વિજય શંકર સાથે અને પછી મિલર સાથે જરૂરી ભાગીદારી કરીને ગુજરાતને વિજયના દ્વાર સુધી પહોંચાડી દીધું હતું. ટી૨૦માં ફટકાબાજી માટે જાણીતા મિલરે સાઈ સાથે પાંચમી વિકેટ માટે ૫૬ રનની અતૂટ ભાગીદારી કરી હતી અને મૅચ પછી સાઈની ભરપૂર પ્રશંસા કરતાં કહ્યું, ‘સાઈ પહેલી બન્ને મૅચમાં જે રીતે રમ્યો છે એ ગુજરાતની ટીમ માટે ખૂબ પ્રોત્સાહજનક કહેવાય. ખરેખર તે ખૂબ જ ટૅલેન્ટેડ પ્લેયર છે અને ગુજરાતની ટીમને તેના જેવાની જરૂર હતી. મને તો તેનો પર્ફોર્મન્સ ખૂબ જ ગમ્યો છે. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવતો જોઈને હું વધુ ખુશ થયો હતો.’
તામિલનાડુના કોચ પણ ફિદા
સાઈ ડોમેસ્ટિક ક્રિકેટમાં તામિલનાડુ વતી રમે છે. તામિલનાડુના ભૂતપૂર્વ કોચ એમ. વેન્કટરામનાએ આઇ.એ.એન.એસ.ને કહ્યું, ‘સાઈ ઘણા પ્રકારના શૉટ રમી જાણે છે. કલાકે ૧૩૦થી ૧૪૦ની ઝડપે ફેંકાયેલા બૉલને તો તે ખૂબ સહેલાઈથી રમી શકે છે. તેણે દિલ્હીના બોલર નોર્કિયાના બૉલમાં જે સ્કૂપ શૉટ માર્યો એ જોઈને તો હું પણ નવાઈ પામ્યો હતો.’
ગુજરાતની બીજી જીત, દિલ્હીની બીજી હાર
ગુજરાત ટાઇટન્સે મંગળવારે સતત બીજી મૅચ પણ જીતી લીધી હતી, જ્યારે દિલ્હી કૅપિટલ્સનો ઉપરાઉપરી બીજી મૅચમાં પરાજય થયો હતો.
મંગળવારે દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ જીતી રહી હતી ત્યારે સ્પેશ્યલ સ્ટૅન્ડમાં બેઠેલી ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓની પત્ની તથા અન્ય પરિવારજનો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. તસવીર iplt20.coms
ઇમ્પૅક્ટ પ્લેયર શંકરના ૨૯ રન
મોહમ્મદ શમી અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ તથા અલ્ઝારી જોસેફે બે વિકેટ લઈને દિલ્હી કૅપિટલ્સને ૧૬૨/૮ના સ્કોર સુધી સીમિત રખાવ્યા બાદ ગુજરાત ટાઇટન્સે ૧૮.૧ ઓવરમાં (૧૧ બૉલ બાકી રાખીને) ૪ વિકેટે ૧૬૩ રન બનાવીને એક સમયે થોડો મુશ્કેલ લાગતો વિજય છેવટે આસાનીથી મેળવી લીધો હતો. સાઈ-મિલરની જોડીની પહેલાં બૅટિંગમાં ઇમ્પૅક્ટ પ્લેયર વિજય શંકર (૨૯ રન, ૨૩ બૉલ, ત્રણ ફોર), ઓપનર વૃદ્ધિમાન સાહા (૧૪ રન, ૭ બૉલ, એક સિક્સર, બે ફોર) અને શુભમન ગિલ (૧૪ રન, ૧૩ બૉલ, ત્રણ ફોર)નાં સાધારણ યોગદાનો પણ હતાં. દિલ્હીના નોર્કિયાની બે વિકેટ ઉપરાંત મિચલ માર્શ અને ખલીલ અહમદની એક-એક વિકેટ છતાં ગુજરાતની ટીમે જીત માણી હતી. મુકેશ કુમારને ૪૨ રનમાં અને કુલદીપ યાદવને ૧૮ રનમાં એકેય વિકેટ નહોતી મળી.
દિલ્હીએ ૩૪ બૉલમાં ૩૦ રન બનાવનાર સરફરાઝ ખાનના સ્થાને પોતાના પાંચ સબસ્ટિટ્યૂટમાંથી ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે પેસ બોલર ખલીલ અહમદને બોલાવ્યો હતો, પણ તે ખાસ કંઈ પ્રભાવ નહોતો પાડી શક્યો. તેણે હાર્દિક પંડ્યાને તેના પાંચ જ રનના સ્કોર પર પૅવિલિયનમાં મોકલી દીધો હતો, પણ એકંદરે ખલીલને ૩૮ રનમાં આ એક જ વિકેટ મળી હતી.
સાઈ સુદર્શનને તામિલનાડુ પ્રીમિયર લીગમાં લાયકા કોવાઈ કિંગ્સ ટીમે આટલા લાખ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદ્યો છે. આઇપીએલમાં તેને એના કરતાં ઓછા રૂપિયા (૨૦ લાખ) મળવાના છે.
સાઈ સુદર્શનની બૅટિંગ ગજબની છે. એનો જશ તેને તેમ જ ટીમના સપોર્ટ સ્ટાફને આપવો જોઈએ. છેલ્લા ૧૫ દિવસમાં તેણે જે બૅટિંગ કરી છે એ તેના હાર્ડ વર્કનું જ પરિણામ છે. મને તો લાગે છે કે આવતાં બે વર્ષમાં તે ફ્રૅન્ચાઝી ક્રિકેટમાં અને પછી ભારતીય ક્રિકેટમાં ગ્રેટ પર્ફોર્મ કરી દેખાડશે. - હાર્દિક પંડ્યા