21 May, 2023 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહત્ત્વની મૅચમાં ટીમ કૅપ્ટન પાસે આજે સ્પેશ્યલ ઇનિંગ્સની આશા રાખે છે
પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે આજે પૉઇન્ટ ટેબલમાં છેલ્લા રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મોટા માર્જિનથી જીત મેળવવાની રહેશે. હૈદરાબાદ પ્લે-ઑફની સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયું છે. મુંબઈ પાસે છેલ્લી તક છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ પ્લે-ઑફમાં પહોંચવા માટેની તકને વધારવા માટે શાનદાર પ્રદર્શન કરવું પડશે. ઘરઆંગણેના મેદાનમાં ચાર જીત અને બે હારને જોતાં રોહિતના ધુરંધરો પાસે નેટ રનરેટ વધારવા માટે આ છેલ્લી તક હશે.
રાજસ્થાન રૉયલની તમામ મૅચો પૂરી થઈ ગઈ છે અને એનો રનરેટ મુંબઈ કરતાં સારો છે. મુંબઈએ જીત તો મેળવવી જ પડશે અને એ પણ સારા માર્જિનથી. વળી બૅન્ગલોર પણ મુંબઈ અને રાજસ્થાન કરતાં રનરેટમાં આગળ છે. જો તેઓ ગુજરાતને હરાવે તો બે મહત્ત્વના પૉઇન્ટ મેળવશે. બૅન્ગલોર માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે એને ખબર હશે કે એણે શું કરવાનું છે.
આઇપીએલની આ વખતની સ્પર્ધા સૌથી વધુ તીવ્ર રહી છે. છેલ્લા બે દિવસમાં પ્લે-ઑફના ત્રણ સ્પૉટ નક્કી થશે. કલકત્તાને રનરેટને કારણે તક બહુ ઓછી છે. દિલ્હી, પંજાબ અને હૈદરાબાદ બહાર ફેંકાઈ ગયાં છે. મુંબઈ લખનઉ સામે છેલ્લી મૅચમાં હારી જતાં એની હાલત કફોડી થઈ છે. ઘરઆંગણે મુંબઈ માટે સૌથી મોટી ચિંતા એના બોલિંગ ડિપાર્ટમેન્ટની છે, કારણ કે ચાર વખત એણે ૨૦૦ કરતાં વધુ રન આપી દીધા છે. છેલ્લી ઓવરમાં વધુ રન આપી દેતાં મૅચ મુંબઈએ ગુમાવી હતી. પરિણામે ટીમનો કોચિંગ સ્ટાફ આ વખતે વધુ સારા પરિણામની આશા રાખશે.
રોહિત શર્માનું ફૉર્મ સાતત્યભર્યું ન હોવા છતાં સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, કૅમરન ગ્રીન, ઈશાન કિશન અને નેહલ વઢેરાએ સારી બૅટિંગનું પ્રદર્શન કર્યું છે. રોહિતે જોકે છેલ્લી બે મૅચમાં સારું પ્રદર્શન કર્યું છે છતાં મહત્ત્વની મૅચમાં ટીમ કૅપ્ટન પાસે કંઈક વિશેષ અપેક્ષા રાખશે.