14 May, 2023 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આજે ઘરઆંગણે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે રમાનારી મૅચ જીતીને ચેન્નઈ સુપર કિંગ્સ પ્લે-ઑફમાં પોતાનું સ્થાન નક્કી કરવા માગશે. ચેન્નઈના ૧૨ મૅચમાં ૧૫ પૉઇન્ટ છે એથી એ પ્લે-ઑફમાં જશે. બીજી તરફ જો કલકત્તા જીતી જાય તો કુલ ૧૦ પૉઇન્ટ હોવાથી એણે બન્ને મૅચ જીતીને અન્ય પરિણામો પર આધાર રાખવો પડશે.
મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ અગાઉની બે મૅચ જીતી ચૂકી છે. વળી ઘરઆંગણે એને હરાવવું મુશ્કેલ છે. ધોનીની બે-ત્રણ સિક્સર પણ ચેપૉક સ્ટેડિયમમાં હાજર દર્શકોનો ઉત્સાહ વધારી મૂકવાની સાથે હરીફ ટીમ પર દબાણ વધારી દે છે, જે દિલ્હી સામેની મૅચમાં જોવા મળ્યું હતું.
ચેન્નઈની ટીમને ઓપનિંગ બૅટર્સ ડેવોન કૉન્વે (૪૨૦ રન) અને ઋતુરાજ ગાયકવાડ જોરદાર સ્ટાર્ટ આપે છે. પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટ હોવાને કારણે અજિંક્ય રહાણે અને શિવમ દુબે પણ સારા ફૉર્મમાં છે. બૅટિંગમાં મોઇન અલી, રવીન્દ્ર જાડેજા અને અંબાતી રાયુડુ અપેક્ષિત પ્રભાવ પાડી શક્યા નથી. બોલિંગમાં મથીશા પથિરાના કૅપ્ટનની અપેક્ષામાં ખરો ઊતર્યો છે. તુષાર દેશપાંડે મોંઘો હોવા છતાં વિકેટ ઝડપે છે. સ્પિનરોમાં જાડેજા, મોઇન અને મહીશ તીક્ષણા હરીફ ટીમ પર દબાણ વધારે છે જે દિલ્હી સામેની મૅચમાં જોવા મળ્યું હતું. વરુણ ચક્રવર્તી અને લેગ સ્પિનર સુયશ શર્મા કેવી બોલિંગ કરશે એના પર મૅચનું ભાવિ નક્કી થશે. અનુભવી સુનીલ નારાયણ આ સીઝનમાં નિષ્ફળ રહ્યો છે.
બૅટિંગમાં કૅપ્ટન નીતીશ રાણા અને વેન્કટેશ ઐયર સારું પ્રદર્શન કરી રહ્યા છે. કલકત્તા ઓપનરો પાસેથી સારી શરૂઆતની આશા રાખે છે. પથિરાનાને કલકત્તાએ સંભાળવો પડશે. જાડેજા પણ એવો બોલર છે જે બૅટર્સને ભાગ્યે જ સમય આપે છે. કલકત્તા જો હારી ગયું તો ટુર્નામેન્ટમાં આગળ વધવાની એની આશા પર પાણી ફરી વળશે.